વિસાવદરમાં રસ્તા ભરવા ગીર અભ્યારણમાંથી માટીનું ગેરકાયદેસર ખનન


વન વિભાગની કામગીરી, નીતિ સામે પ્રજામાં રોષ ભભૂક્યો

વિસાવદર રેન્જ અને ગીર અભયારણ્ય વિસ્તારમાં વનવિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી અને તેની નીતિઓ સામે સ્થાનિક પ્રજાજનોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને હવે સ્થાનિક પ્રજાજનો જાગૃત થઈને યોગ્ય તપાસની માંગ સાથે અવાજ ઉઠાવી રહ્યા છે. વનવિભાગ દ્વારા વિસાવદર થી કનકાઈ મેલડી આઈ નાકે થી કનકાઈ જેવા અનેક રસ્તાઓ ના મરમ્મત અંગે તેમજ પ્રોટેક્શન વોલ, વન તળાવડી અને વન તળાવની કામગીરીના ચોક્કસ હિસાબો જાહેર કરવાની માંગ ઊઠી છે. આ સાથે જ સિવિલ કામગીરીમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવતી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે, જેમાં અધિકારીઓ દ્વારા સ્થાનિક વાહનોને બદલે પોતાના સગા-સંબંધી કે મળતીયાઓના જે.સી.બી. અને ટ્રેક્ટર જેવા સાધનો ભાડે રાખીને સ્થાનિક લોકોનો વિકાસ રૂંધવામાં આવી રહ્યો છે. તદુપરાંત, સિવિલ ક્વાર્ટરમાં જૂના પ્લાસ્ટર પર જ નવું પ્લાસ્ટર કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને રસ્તા ભરવા માટે જંગલમાંથી જ માટીનું અનધિકૃત ખોદાણ કરીને જંગલને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. વનપ્રાણીઓ દ્વારા સ્થાનિક લોકોને ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદો વચ્ચે વનવિભાગના બેવડા ધોરણો પણ સામે આવ્યા છે, જેમાં વનવિભાગના ઓળખીતા ’મહેમાનો’ને અભયારણ્યમાં સિંહ દર્શન કરાવવામાં આવે છે પરંતુ રાત્રિના સમયે રસ્તા પરથી પસાર થતા સ્થાનિક ખેડૂતોને દંડવામાં આવે છે. જંગલમાં લેન્ટાના દૂર કરવાની કામગીરી મંજૂર થયેલા હોવાની આશંકા છે. વિસાવદર તાલુકામાં યોજાતા સમૂહ લગ્નોમાં લાકડાની ફાળવણી અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે. સાસણ થી જૂનાગઢ શામળા ગીર વિસ્તારમાં વનપ્રાણીઓ પાછળ થયેલા ખર્ચના બિલની વિગતો સાથે સરકારી ટ્રેક્ટર (1209) અને બોલેરો પીકઅપ વાહનની તા. 21/02/2025 થી 20/08/2026 સુધીની લોગબુક તેમજ આ જ સમયગાળા દરમિયાન આઉટસોર્સિંગ કર્મચારીઓને ચૂકવાયેલા પગારની વિગતો સાર્વજનિક કરવાની માંગ સાથે પ્રજાજનો દ્વારા આ સમગ્ર મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ