જૂનાગઢમાં ગિરનારી ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો : વિજેતા બાળકોનું વિશિષ્ટ સન્માન કરાશે

જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા ગાયત્રી મંદિરના સહયોગથી ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે બાળકોમાં રહેલી સર્જનાત્મકતા, રમતગમતની ભાવના તેમજ સામાન્ય અને ધાર્મિક જ્ઞાનને પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, ગાયત્રી મંદિર ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં કોથળા દોડ, ચેસ, દેડકા દોડ, માટીમાંથી ગણપતિ બનાવવાની સ્પર્ધા, જનરલ નોલેજ (ધાર્મિક પ્રશ્નોત્તરી), લીંબુ-ચમચી સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓ બાળકોના જુદા જુદા વયજૂથ મુજબ ત્રણ વિભાગમાં યોજવામાં આવી હતી, જેમાં કુલ 237 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બાળકોમાં સ્પર્ધાત્મક ભાવનાની સાથે સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન મળે તે માટે ગિરનારી ગ્રુપ દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ 237 બાળકોને શુભેચ્છા સ્વરૂપે પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા બનેલા બાળકોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે ડી. કે. કોઠારી સ્વામી (સ્વામિનારાયણ મંદિર, જવાહર રોડ), પ્રો. પી. બી. ઉનડકટ, નાથબાપુ વાળા, યતીનભાઈ કારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેન્દ્રસિંહ ચુડાસમા બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગિરનારી ગ્રુપના દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે, કિર્તીભાઈ પોપટ, જગદીશભાઈ દતાણી, હરિભાઈ કારીયા, વિપુલભાઈ બુદ્ધદેવ, ચંદ્રેશભાઇ દોશી, હેમંતભાઈ નંદવાણી સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ