એક બાળકને હેમરેજ જેવી ગંભીર ઇજા થયા બાદ મહાનગરપાલિકા નું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું
પોરબંદરની ચોપાટી પર ની હાથીલસરપટ્ટી જર્જરિત હોવાથી એક બાળકને માથાના ભાગમાં હેમરેજ જેવી ગંભીર ઈજા થઈ હતી અને તેના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ હવે તંત્ર જાગ્યું છે અને રાતોરાત તેનું સમારકામ કર્યું છે.
પોરબંદર શહેરના ચોપાટીમાં આવેલ હાથી ગ્રાઉન્ડ ખાતે આવેલી લસરપટ્ટી, જે શહેરની આકર્ષણરૂપ સુવિધા તરીકે જાણીતી છે, સમયાંતરે જર્જરિત બની ગઈ હતી. સ્થાનિક નાગરિકો અને વાલીઓ દ્વારા બાળકોની સલામતી અંગે વ્યક્ત કરાયેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને પોરબંદર મહાનગરપાલિકાના બાંધકામ વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. લસરપટ્ટીની તપાસ બાદ તેમાં રહેલી જોખમી બનેલી રચનાને દૂર કરીને મજબૂતીકરણ કરવામાં આવ્યું છે. જરૂરી જગ્યાએ નવી સામગ્રીનો ઉપયોગ કરી લસરપટ્ટીને વધુ મજબૂત અને ટકાઉ બનાવવામાં આવી છે. સાથે સાથે, બાળકોના ઉપયોગને ધ્યાનમાં રાખીને લસરપટ્ટીના સપાટી ભાગને સરળ અને સુરક્ષિત બનાવવામાં આવ્યો છે.
