પોરબંદર-ભાવનગર રૂટ પર એસ.ટી.ની બે નવી બસનું થયુ લોકાર્પણ

રાજ્યમાં 182 ગુર્જરનગરી બસ અર્પણ કરવામાં આવી તેમાંથી બે બસ મળી પોરબંદરને: કેબિનેટમંત્રીની ઉપસ્થિતિમાં બસનું થયુ પ્રસ્થાન

પોરબંદર-ભાવનગર રૂટને નવી બે બસ ફાળવવામાં આવતા અર્જુન મોઢવાડીયાએ તેનું લોકાર્પણ કર્યુ હતુ.ગાંધીનગરથી ગુજરાતની મુસાફર જનતાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કુલ 182 ગુર્જરનગરી બસો અર્પણ કરવામાં આવેલ હતી જે પૈકી પોરબંદર જીલ્લા એસ.ટી. વિભાગ ને પોરબંદર – ભાવનગર રૂટ માં બે ગુર્જરનગરી બસો ફાળવવામાં આવેલ છે આ બસોનું પોરબંદર બસ સ્ટેશનથી કેબિનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાના વરદ્ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતુ આ તકે મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા એ જણાવ્યું હતુ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી ગુજરાતની જનતાની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે અને આપણા પોરબંદર જીલ્લાની મુસાફર જનતાને લાંબા અંતરની બસ વધુ આરામદાયક મળે તે હેતુસર પોરબંદરથી ભાવનગર ના રૂટ માં આ બસો ફાળવવામાં આવેલ છે.
આ તકે પોરબંદર જીલ્લાની મુસાફર જનતાને પણ મંત્રી અર્જુનભાઇ દ્વારા ખાસ અનુરોધ કરતા જણાવેલ કે સરકાર દ્વારા બસો અને બસ સ્ટેશનની ખુબ જ સારી સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે ત્યારે આ બસસ્ટેશનો અને બસો ને સ્વચ્છ રાખવી તે આપણી નૈતિક ફરજ છે અને ગુજરાત સરકારની આ સેવાઓ આખા વિશ્ર્વ લેવલે ઉભરી ને આવે તે માટે મુસાફર જનતા એ પણ કટિબધ્ધ થઇ અને સ્વછતા જાળવવા સંકલ્પ લેવાનો છે.પોરબંદર એસ.ટી.ડેપો મેનેજર પી.બી. મકવાણા દ્વારા જણાવાયા અનુસાર આ ગુર્જરનગરી બસમાં વધારે બે સીટ વચ્ચે વધારે જગ્યા આપવામાં આવેલ છે જેથી લાંબા અંતરની મુસાફરી માટે કોઇ જાતનો થાક લાગતો નથી અને આરામદાયક મુસાફરીનો અહેસાસ થાય તે મુજબ આ બસોનું નિર્માણ કરવાં આવેલ છે. આ તકે સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણી દ્વારા આ બસોના સમય અંગે વિગતો આપતા જણાવાયુ છે કે પોરબંદરથી ભાવનગર જવા માટે આ બસ સવારે 7:45 કલાકે તેમજ બીજી બસ રાત્રે 20:00 કલાકે વાયા માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના, રાજુલા, મહુવા, તળાજા થઇ ને ભાવનગર જશે. જ્યારે ભાવનગર થી પોરબંદર આવવા માટે આ બસો સવારે 07:45 વાગ્યે તેમજ સાંજે 19:00 કલાકે આ બસો મળશે, આ બસોનું રિઝર્વેશન એસ.ટી. નિગમના તમામ બસ સ્ટેશનો પરથી, જી.એસ.આર.ટી.સી. ની ઓફિશિયલ એપ્લિકેશન દ્વારા મોબાઇલ થી તેમજ વેબસાઇટ પરથી પણ થઇ શકશે આ સમારોહમાં ચેતનાબેન તિવારી, સામતભાઇ ઓડેદરા, પ્રવિણભાઇ ખોરાવા, આવડાભાઇ ઓડેદરા સહિત ના નામાંકિત અગ્રણીઓ ઉપસ્થિત રહેલ ત્યારે આ તમામ મહાનુભાવોનો આસીસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર એચ.આર. ઓડેદરાએ આભાર વ્યક્ત કરેલ હતો.

રિલેટેડ ન્યૂઝ