ઇશ્ર્વરીયાના નામચીન બુટલેગરે પોલીસ કર્મચારીઓની હત્યાની કરી કોશિષ

દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઘરે રેડ પાડી ત્યારે હાજર મળી આવ્યો નહી: પોલીસથી બચવા નજીકમાં છુપાયેલ આરોપી કારમાં ભાગી રહ્યો હતો ત્યારે પોલીસ કર્મચારીઓ ઉપર ગાડી ફેરવવાની કોશિશ કરી નાશી છૂટયો: ફરીથી પોલીસે પકડયો ત્યારે બટકા ભરીને ભાગી જવાની કોશિષ કરતા થઇ વધુ એક એફ.આઇ.આર

પોરબંદરના ઇશ્ર્વરીયા ગામના નામચીન બુટલેગરે પોલીસ કર્મચારીઓ ઉપર કાર ચડાવવાની અને તેમની હત્યાની કોશિશ કરતા ગુન્હો દાખલ થયો હતો. જેમાં પોલીસે હામદપરા ગોકરણ રોડ ઉપર તેને પકડયો ત્યારે પોલીસ કર્મચારીને બટકા ભરતા અને તેની પાસેથી છરી પણ મળી આવતા બે ગુન્હા દાખલ થયા છે.
પ્રથમ ફરિયાદ
પોરબંદરના કુતિયાણા પોલીસમથકના હેડ કોન્સ્ટેબલ અશોક હીરાભાઇ જાડેજા દ્વારા એવી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે તા. 18-5ના રાત્રે 11 વાગ્યા આસપાસ તેઓ તથા પોલીસસ્ટાફના માણસો જનરલ નાઇટ રાઉન્ડમાં હતા ત્યારે સાડા અગિયાર વાગ્યે ઇશ્ર્વરીયા ગામની પ્રાથમિક શાળા પાસે પહોચ્યા તે સમયે એવી માહિતી મળી હતી કે ઇશ્ર્વરીયા ગામે રહેતા નામચીન બુટલેગર વિજય મગન વિંઝુડા તેના હસ્તકની બલેનો કારમાં ઇંગ્લીશ દારૂ ભરીને ઇશ્ર્વરીયા ગામે તેના ઘરે આવ્યો છે ઉપરાંત આ આરોપી વિજય વિંઝુડા કેશોદ પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હામાં વોન્ટેડ હતો તેથી તેના ઘરે રેડ કરવી જરૂરી જણાતા પંચોને સાથે રાખીને વિજયના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાં તેના પિતા મગન માલદે વીંઝૂડા હાજર હતા.ફળિયામાં કાર પડી હતી પણ તેમા દારૂ મળી આવ્યો ન હતો તથા વિજય પણ મળી આવ્યો ન હતો. આથી પોલીસે તેના પિતા મગન વિંઝુડાને પૂછતા તેઓ વિજય કયાં છે તેના વિષે જાણતા નહી હોવાનું જણાવ્યુ હતુ જેથી તા. 19-5ના રાત્રે 12:05 મિનિટથી 12:35 મિનિટ સુધીની નીલ રેઇડ અંગેના કાગડીયાની કાર્યવાહી કરી પેટ્રોલીંગમાં રવાના થયા ત્યારે ઇશ્ર્વરીયા ગામના મેઇન ગેટ પાસે પહોંચ્યા ત્યારે બાતમીદાર મારફતે હકીકત મળી કે વિજય મગન વીંઝુડા પોલીસને જોઇને ઘરેથી નાશી ગયો હતો અને પોલીસ ઘરેથી જતી રહી પછી વિજય પોતાના ઘર પાસે રહેલી બાવળની કાટમાંથી નીકળીને પોતાના ઘરે ગયો હતો અને કાર લઇને ઇશ્ર્વરીયા ગામની પ્રાથમિક શાળા તરફથી પસાર થવાનો છે. આવી હકીકત મળતા પોલીસ કાફલો ઇશ્ર્વરીયાની પ્રાથમિક શાળા પાસે વોચમાં ગોઠવાઇ ગયો હતો અને રાત્રે દોઢ વાગ્યે કારચાલક કાર લઇને આવતો હતો જેને રોકવાનો ઇશારો કરતા કાર ધીમી પાડી દીધી હતી અને કારમાં ડ્રાયવીંગ સીટ ઉપર વિજય મગન વીંઝુડા હતો. પોલીસને જોઇને પોતાની કાર ફૂલસ્પીડમાં ભગાડી ત્યારે ફરીયાદી અશોક હીરાભાઇ જાડેજા અને તેની સાથેના પોલીસ કોન્સ્ટેબલ અશ્ર્વિન વેજાભાઇ ઉપર હત્યાના ઇરાદે કાર ચડાવવાની કોશિશ કરી હતી આથી બંને જણાએ પોતાનો બચાવ કરવા સાઇડમાં કૂદી ગયા હતા તેથી કારની હડફેટે આવતા બચી ગયા હતા ત્યારબાદ સ્ટાફે પોલીસના વાહનમાં બેસીને તેનો પીછો કરતા આરોપી ઇશ્ર્વરીયા હનુમાન મંદિર થઇ કાલીન્દ્રી ડેમવાળા રસ્તે કાર સાથે નાશી ગયો હતો જેથી ફરજમાં રૂકાવટ અને પોલીસ કર્મચારીઓની હત્યાની કોશિશનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
બીજી પોલીસ ફરિયાદ
કુતિયાણા પોલીસમથકના કોન્સ્ટેબલ અક્ષયકુમાર જગતસિંહ ઝાલા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે કે કુતિયાણા પોલીસકર્મચારીઓની હત્યાની કોશિશનો આરોપી ઇશ્ર્વરીયાનો વિજય મગન વીંઝુડા પોતાની કાર સાથે ગોકરણથી હામદપરાના રસ્તે નીકળવાનો છે તેથી બાતમીના આધારે પોલીસની ટીમ હામદપરાથી ગોકરણ જતા રસ્તે કોર્ડન કરીને વોચમાં ઉભા હતા એ દરમ્યાન સાંજે 6:45 કલાકે ગોકરણથી કાર આવતી હતી જેને ઉભી રાખવા માટે ઇશારો કરતા કાર ઉભી રહી ગઇ હતી અને તેમાંથી ઇશ્ર્વરીયાનો વિજય મગન વીંઝુડા નજરે ચડયો હતો. જેણે કારનો દરવાજો ખુલ્લો મુકીને તળાવ બાજુ ભાગવાની કોશિશ કરતા અક્ષયકુમારે વિજયને મજબૂત રીતે પકડી લીધો હતો જેથી તેણે અક્ષયની જમણાહાથની ભુજા ઉપર બે ત્રણ વખત દાંત વડે બટકા ભરી લીધા હતા અને નાશી જવાની પૂરેપૂરી કોશિશ કરતા તેને મજબુતાઇથી પકડી લીધો હતો એ દરમ્યાન સ્ટાફના માણસો પણ આવી ગયા હતા અને વિજય વીંઝુડાને પકડી લીધો હતો. કારની અંદર તપાસ કરતા ડ્રાઇવીંગ સીટ નીચેથી 10 રૂા.ની છરી મળી આવી હતી. આ કાર એજ હતી જેના વડે પોલીસની હત્યાની કોશિશ થઇ હતી જેથી પોલીસે કારની ઝડતી લીધી હતી અને ત્યારબાદ એફ.એસ.એલ. પરીક્ષણ અર્થે જે તે સ્થિતિમાં કારને પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં રાખી દીધી હતી અને ત્યારબાદ વિજય મગન વીંઝુડા સામે બીજી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં પોલીસની ફરજમાં રૂકાવટ હથિયારબંધીના જાહેરનામાનો ભંગ સહિત કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ