પોરબંદર મહાનગરપાલિકાએ ‘પક્ષી બચશે, પ્રકૃતિ બચશે, આપણે પણ બચશું’ ના સૂત્ર સાથે કર્યો અનુરોધ
પોરબંદર મહાનગરપાલિકાના તંત્રએ પક્ષીઓ માટે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા લોકોને અપીલ કરી છે તથા મહત્વના સૂચનો પણ કર્યા છે.
કાળઝાળ ગરમીના દિવસોમાં મૂંગા પક્ષીઓને પાણીની તીવ્ર તંગી પડતી હોય છે. આ સ્થિતિને ધ્યાને લઈ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા “ગરમીમાં પક્ષીઓ માટે પાણી રાખીએ” શીર્ષક હેઠળ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.મહાપાલિકા એ જણાવ્યાં કે, “તપતી ગરમીમાં પક્ષીઓને થોડું પાણી, તેમના જીવન માટે અમૂલ્ય દાન સમાન છે. એક નાનું પગલું પણ અનેક પંખીઓને જીવવા મદદરૂપ બને છે.”
મહાપાલિકાની 5 ટીપ્સ
પક્ષીઓ માટે છાયાવાળી જગ્યાએ પાણીની પાત્ર રાખો. દરરોજ પાણી બદલો અને પાત્ર સાફ રાખો. પક્ષીઓ માટે વૃક્ષો વાવો અને પ્રકૃતિનું સંરક્ષણ કરો. પાણીમાં તેલ, મીઠું કે કોઈ કેમિકલ ન નાખો. શક્ય હોય તો દિવસમાં 2-3 વખત પાણી ચેક કરીને ફરી ભરો. મહાપાલિકાએ “પક્ષી બચશે, પ્રકૃતિ બચશે, આપણે પણ બચશું” ના સૂત્ર સાથે નાગરિકોને પોતાના ઘર, દુકાન, ઓફિસની અગાસી કે બાલ્કનીમાં પક્ષીઓ માટે પાણીનું કુંડુ અચૂક મૂકવા અપીલ કરી છે. 40 થી વધુ તાપમાનમાં પક્ષીઓ ડિહાઇડ્રેશનથી મૃત્યુ પામે છે. ચકલી, કબૂતર, પોપટ જેવા શહેરી પક્ષીઓને કુદરતી જળસ્ત્રોત મળતા નથી. તમારું એક માટલું કે કટોરો સેંકડો પક્ષીઓનો જીવ બચાવી શકે છે.
