પોરબંદરમાં દારૂના ગુન્હામાં પકડાયેલા ભાઇને છોડાવવા ભાઇએ કર્યો ડખ્ખો !

દારૂ પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશન સામે આવીને ગાળો બોલી ફિનાઇલ પી આત્મહત્યાનો કર્યો પ્રયત્ન: પી.એસ.ઓ. બન્યા ફરીયાદી

પોરબંદરમાં દારૂના ગુન્હામાં પકડાયેલા ભાઇને છોડાવવા ભાઇએ ડખ્ખો કર્યો હતો જેમાં દારૂ પીધેલી હાલતમાં પોલીસસ્ટેશન સામે આવીને ગાળો બોલી ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયત્ન કરતા પી.એસ.ઓ. ફરીયાદી બન્યા હતા.
કીર્તિમંદિર પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ એવા પી.એસ.ઓ. શામજીભાઇ જેઠાભાઇ પાંડાવદરાએ એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ તથા તેમનો સ્ટાફ તથા હોમગાર્ડ વગેરે કીર્તિમંદિર પોલીસમથકમાં ફરજ પર હાજર હતા અને પ્રોહીબીશનના આરોપી મિલન માવજી કોટીયાને ધોરણસર અટક કરીને લોકઅપમાં રાખ્યો હતો.
મોડીરાત્રે એક વાગ્યા આસપાસ આરોપીની બહેન પૂજા, ભાભી યોગીતાબેન અને માસી વર્ષાબેન ત્રણેય પોલીસમથક ખાતે આવ્યા હતા અને મિલનને છોડી મૂકવા માટે કહ્યુ હતુ.તેથી ફરીયાદી શામજીભાઇએ ‘મિલન સવારે છૂટી જશે’ તેમ કહેતા ત્રણેય મહિલાઓ ત્યાંથી ચાલી ગઇ હતી. ત્યારબાદ રાત્રે બે વાગ્યા આસપાસ પોલીસસ્ટેશનની બહાર દેકારો થતા ફરીયાદી શામજીભાઇ પાંડાવદરા અને સ્ટાફ બહાર દોડી આવ્યો હતો અને ત્યાં જઇને જોયુ તો પ્રોહીબીશનના ગુન્હામાં જેને લોકઅપમાં રાખવામાં આવ્યો તે મિલનનો મોટોભાઇ જીતુ માવજી કોટીયા પોલીસ સ્ટેશનના દરવાજા બહાર જોર જોરથી ગાળો બોલતો હતો અને ‘મારાભાઇને પોલીસ છોડતી નથી તેથી મેં અહી ફિનાઇલ પીધુ છે અને હું મરી જઇશ અને તમારા બધાના નામ લખતો જઇશ’ તેવી ધમકી આપી હતી. પોલીસ સ્ટેશનની સામેજ રોડ ઉપર ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ફરજ પરના કર્મચારીઓએ તેને તપાસતા તેના મોઢામાંથી કેફી પીણુ પીધાની તીવ્ર વાસ આવતી હતી અને ફિનાઇલ પણ પી ગયો હતો તેથી તેની બહેન પૂજા, પત્ની યોગીતા અને માસી વર્ષા ત્રણેય રીક્ષામાં આવ્યા હતા અને જીતુ માવજી કોટીયાને હોસ્પિટલે લઇ ગયા હતા.
જીતુ માવજી કોટીયા સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યુ છે કે તેના ભાઇ મિલનને પ્રોહીબીશનના કામે અટક કર્યો હોવાથી તેને છોડાવવા માટે પોલીસની કાયદાકીય સત્તાનો ઉપયોગ કરતા અટકાવવા માટે પોલીસમથક સામે દારૂ પીધેલી હાલતમાં આવીને ગાળો દઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા કલમ 226,296 (બી), 351(1) તથા પ્રોહીબીશનની કલમ 66(1)(બી) 85 મુજબ ગુન્હો દાખલ થયો છે.

રિલેટેડ ન્યૂઝ