વડોદરાની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પોરબંદરનો ફર્નિચર પાર્ક બન્યો ચર્ચાનું કેન્દ્રબિન્દુ


કેન્દ્રીયમંત્રી ડો. માંડવીયા અને રાજ્યમંત્રી મોઢવાડીયાની ઉપસ્થિતિમાં પોરબંદરના ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા ઘડવામાં આવી રણનીતિ: રોજગાર ક્ષેત્રે વિશાળ તકોનું થશે સર્જન: વહેલીતકે જમીન ફાળવણીની પ્રક્રિયાની થશે કાર્યવાહી

પોરબંદરના ફર્નિચર પાર્ક અંગે વડોદરાની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં મહત્વની ચર્ચા થઇ
હતી.
કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી તેમજ પોરબંદરના લોકપ્રિય સાંસદ ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં વડોદરા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, મધ્ય ગુજરાત અંતર્ગત ફર્નિચર પાર્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ સેમિનારમાં પોરબંદરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
પોરબંદર ફર્નિચર પાર્ક:
ચર્ચાનું કેન્દ્રબિંદુ
સેમિનાર દરમિયાન પોરબંદર ખાતે સૂચિત ફર્નિચર પાર્ક અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી ડો. માંડવિયા અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ફર્નિચર પાર્કની સંભાવનાઓ, જરૂરી માળખાકીય સુવિધાઓ અને રોકાણની તકો અંગે ઉદ્યોગકારો અને નિષ્ણાતો સાથે સંવાદ સાધ્યો હતો.
ગુજરાતને ફર્નિચર હબ બનાવવાનો રોડમેપ
આ સેમિનારમાં ફર્નિચર ઉત્પાદન, પ્રોસેસિંગ અને નિકાસ ક્ષેત્રે અગ્રણી કેન્દ્ર તરીકે ગુજરાતને વિકસાવવા અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. રાજ્યમાં ઉપલબ્ધ કાચો માલ, બંદરોની કનેક્ટિવિટી, કુશળ કારીગરો અને સરકારની પ્રોત્સાહક નીતિઓના સમન્વયથી ગુજરાતને વૈશ્ર્વિક ફર્નિચર માર્કેટમાં અગ્રેસર બનાવવાની રણનીતિ પર ભાર મૂકાયો હતો.
સ્થાનિક ઉદ્યોગોને નવી ગતિ મળશે
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, પોરબંદર ખાતે ફર્નિચર પાર્કના નિર્માણથી સ્થાનિક ઉદ્યોગોને નવી ગતિ મળશે. આ પાર્ક એમ.એસ.એમ. ઇ. એકમો માટે વન-સ્ટોપ સોલ્યુશન બનશે. અહીં ક્લસ્ટર આધારિત વિકાસથી ઉત્પાદન ખર્ચ ઘટશે અને ગુણવત્તા વધશે.
રોજગારીની વિશાળ તકોનું સર્જન
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ કહ્યું કે, ફર્નિચર પાર્ક માત્ર ઉદ્યોગ જ નહીં, પરંતુ રોજગાર સર્જનનું મોટું માધ્યમ બનશે. આ પ્રોજેક્ટથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો યુવાનોને રોજગારીની વિશાળ તકો ઊભી થશે. સુથારીકામ, ડિઝાઇનિંગ, પોલિશિંગ, પેકેજિંગ અને માર્કેટિંગ જેવા ક્ષેત્રોમાં કૌશલ્ય ધરાવતા સ્થાનિક યુવાનોને ઘરઆંગણે જ કામ મળશે.
એમ.એસ.એમ. ઇ.ને મળશે પ્રોત્સાહન
સેમિનારમાં ઉપસ્થિત ઉદ્યોગકારોએ જણાવ્યું કે ફર્નિચર પાર્કથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મોટું પ્રોત્સાહન મળશે. કોમન ફેસિલિટી સેન્ટર, રો-મટિરિયલ બેંક, ડિઝાઇન ડેવલપમેન્ટ સેન્ટર અને એક્સપોર્ટ હાઉસ જેવી સુવિધાઓથી નાના કારીગરો પણ વૈશ્ર્વિક બજારમાં સ્પર્ધા કરી શકશે.
વાઇબ્રન્ટ ગુજરાતની સફળ શૃંખલા
ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા બાદ રાજ્ય સરકાર દ્વારા રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી દરેક ક્ષેત્રની વિશિષ્ટ સંભાવનાઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જઈ શકાય. મધ્ય ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત યોજાયેલ આ ફર્નિચર પાર્ક સેમિનાર તે દિશામાં મહત્વનું પગલું છે. પોરબંદર ફર્નિચર પાર્ક માટે જમીન ફાળવણી અને ડી.પી.આર. ની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં સાકાર થશે.

પોરબંદરમાં ફર્નિચર પાર્કથી થનારા લાભ
રોજગાર સર્જન: 5000થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો.
એમ.એસ.એમ. ઇ. વિકાસ: ક્લસ્ટર અભિગમથી નાના ઉદ્યોગોને વૈશ્ર્વિક બજાર.
નિકાસ વધારો: ફર્નિચર નિકાસમાં ગુજરાતનો હિસ્સો વધશે.
કૌશલ્ય વિકાસ: સ્થાનિક કારીગરોને આધુનિક ટેકનોલોજીની તાલીમ

રિલેટેડ ન્યૂઝ