જસદણમાં પુલનું કામ પૂર્ણ થાય પૂર્વે જ આરસીસી કામ ઉખડયું

છ મહીનાથી ચાલતા કામમાં કોન્ટ્રાકટર દ્વારા નબળી કામગીરીનો આક્ષેપ

જસદણ,તા.25
જસદણ નગરપાલિકા દ્વારા વાજસુરપરા અને મફતીયાપરા વિસ્તારને જોડતો પુલ બનાવવા માટેનો રાજકોટની રાહી ક્ધટ્રકશન એજન્સીને લાખોનો કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે. પરંતુ આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા નીતિનિયમોને નેવે મૂકી અહિયાં નથી ડાયવર્ઝનના બોર્ડ લગાવવામાં આવ્યા કે નથી સાવચેતીના બોર્ડ લગાવવામાં આવ્યા. કોન્ટ્રાક્ટરે માત્ર પોતાની ઘરની ધોરાજી ચલાવી અંદાજે 6 મહિનાથી કાચબા ગતિએ કામગીરી કરવામાં આવતી હોવાથી બન્ને વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અધૂરામાં પૂરું હજી આ પુલની કામગીરી પણ ચાલુ છે અને આ પુલની કામગીરી ક્યારે પૂર્ણ થશે તેના કોઈ ઠેકાણા પણ નથી. છતાં જસદણ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા આ પુલની તપાસ કરવામાં આવતી ન હોવાથી કોન્ટ્રાક્ટરને મોકળું મેદાન મળી રહ્યું છે. વધુમાં આ પુલના આધારસ્તંભ માટે ઉભા કરાયેલા આર.સી.સી. બિંબમાં અત્યારથી જ આર.સી.સી. કામ ઉખડવા લાગ્યા છે અને આ પુલની બન્ને સાઈડની રેલીંગ પણ નબળી બનાવવામાં આવી રહી છે. જેના લીધે આ પુલ ભવિષ્યમાં ગમે ત્યારે જમીનદોસ્ત થવાની અને ગમે ત્યારે મોટો અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. જેથી જસદણ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક આ પુલની સ્થળ તપાસ કરી કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરી નિયમાનુસાર કામગીરી કરાવવામાં આવે તેવું બન્ને વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે.
તપાસ કરું છું: સી.ડી.પટેલ-મ્યુનીસીપલ એન્જીનીયર,જસદણ નગરપાલિકા.
એ પુલ અમારા જસદણ નગરપાલિકામાં આવે છે. જો તે એજન્સી દ્વારા નબળી કામગીરી કરવામાં આવતી હોય તો હું હમણાં જ સ્થળ તપાસ કરું છું. તે એજન્સીએ કેટલા સમયમાં કામગીરી પૂર્ણ કરવાની છે તે મારે ફાઈલમાં જોવું પડે.

રિલેટેડ ન્યૂઝ