રાજકોટ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપી એએસઆઈની જામીન અરજી ના મંજૂર

2024માં માલવીયાનગર પોલીસ મથકમાં હમીર અને રાજુના નીપજ્યા હતા મોત

ડબલ કસ્ટોડિયલ ડેથમાં આરોપી અજઈં અશ્વિન કાનગડની જામીન અરજી હાઈકોર્ટે કાઢી નાખી છે. જેથી તેનો જેલવાસ લંબાયો છે. 14 એપ્રિલ 2024ના રોજ માલવીયાનગર પોલીસ મથકની અંદર હમીરભાઈ રાઠોડ અને રાજુભાઈ સોલંકીને બેરહેમી પૂર્વક માર મારવામાં આવતા સારવારમાં બંનેનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ એએસઆઈ અશ્વિન કાનગડ નાસતો ફરતો રહ્યા બાદ તેની ધરપકડ થઈ હતી. 21 મહિનાથી તે જેલમાં છે. અગાઉ પણ હાઇકોર્ટમાંથી તેણે જામીન અરજી પરત ખેંચવી પડી હતી. સમગ્ર કેસની વિગત મુજબ, રાજકોટના ખોડિયારનગરમાં રહેતા રાજુભાઈ ભગવાનજીભાઈ સોલંકી (ઉ.વ.40)ને તા.14/4/2024ની રાતે તેમની પાડોશમાં રહેતા વ્યક્તિ સાથે માથાકૂટ થતાં પાડોશીએ માલવીયાનગર પોલીસને બોલાવી હતી. પોલીસને બોલાવતાં રાજુભાઈનો પુત્ર જય સોલંકી આંબેડકરનગરમાં દોડી ગયો હતો અને રાજુભાઈના મિત્ર હમીરભાઈ ઉર્ફે ગોપાલભાઈ દેવજીભાઈ રાઠોડને બોલાવી આવ્યો હતો. હમીરભાઈ સમાધાનનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે માલવીયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ અશ્વિન કાનગડ રાજુભાઇ સોલંકી અને હમીરભાઇ રાઠોડ સહીત ત્રણ લોકોને ઉઠાવી ગયેલ. રાજુભાઈ અને હમીરભાઈને પોલીસ સ્ટેશનમાં ઢોરમાર મારવામાં આવ્યો હતો. મોડીરાત સુધી ત્રાસ આપ્યા બાદ જવા દેવામાં આવ્યા હતા. સવારે ઘવાયેલા રાજુભાઈ અને હમીરભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી હમીરભાઈ સોલંકીનું તા.16ના રાત્રીનાં મોત નીપજ્યું હતું. હમીરભાઇનું પોલીસના મારથી મોત નીપજતા એએસઆઇ અશ્વિન કાનગડ સહિતનાઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવેલ. જોકે ગુનો નોંધાતા જ અશ્વિન કાનગડ નાસી ગયો હતો. જે પછી પોલીસે તેની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર લીધો હતો. આ દરમ્યાન રાજુભાઈ સોલંકીનું પણ સારવારમાં મોત થયું હતું.
આશરે 21 માસથી જેલમાં રહેલા અશ્વિને સેશન્સ કોર્ટે જામીન અરજી રદ કર્યાં પછી હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. તે સમયે અશ્વિન કાનગડ તરફે દલીલ થઈ હતી કે, બંને મૃતક દારૂ પીવાની ટેવ ધરાવતા હતા. જેના કારણે તેઓનું મૃત્યુ થયું છે. જેની સામે ફરિયાદ પક્ષના એડવોકેટ સુબોધ કુમુદે વિરોધ કર્યો હતો અને પોલીસ કસ્ટડીમાં આરોપીએ બંને મૃતકોને ઢોર માર્યો હતો. માર મારવાથી થયેલી ઇજાના કારણે જ બંને નિર્દોષ વ્યક્તિનું મોત થયું હતું. ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં પણ ઇજાના કારણે મોત થયું હોવાનું તારણ છે ત્યારે આરોપીને જામીન ન આપવા જોઈએ તેવી દલીલ થઈ હતી. ન્યાયધીશે પણ ગુનાની ગંભીરતાને ધ્યાને લીધી હતી. જેથી હાઇકોર્ટ જામીન અરજી પર કોઈ નિર્ણય કરે તે પહેલા જ આરોપી અશ્વિન કાનગડની હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી વિથ-ડ્રો કરી લેવાઈ હતી. જે પછી તાજેતરમાં ફરી એક વાર અશ્વિન કાનગડ તરફે જામીન અરજી કરાતા હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. આરોપી તરફે દલીલો થઈ હતી કે, ડોક્ટરની જુબાની થઈ ગઈ છે અને ટ્રાયલ ચલાવવામાં વાર લાગે એમ છે. ત્યારે ફરિયાદ પક્ષ તરફે જામીન અરજી સામે વાંધો લેવાયો હતો. જેમાં રજુઆત કરાઈ હતી કે, આ જ આરોપી દ્વારા અગાઉ કરવામાં આવેલી જામીન અરજીમાં તેમણે ડોક્ટર સાક્ષીઓ અને મુખ્ય સાક્ષીઓની જુબાની થયા બાદ જામીન માટે અરજી કરવાની શરતે અગાઉની જામીન અરજી પાછી ખેંચેલી હતી. હજુ તમામ સાક્ષીઓની જુબાની લેવાઈ નથી. તેવા કિસ્સામાં આરોપીએ અગાઉની જામીન અરજી વિથ-ડ્રો કરતા સમયે આપેલી શરતને ધ્યાને લેવી જોઈએ. બંને પક્ષને સાંભળી હાઇકોર્ટે જામીન અરજીનો નિકાલ કર્યો હતો અને ટ્રાયલ કોર્ટને ટ્રાયલ ઝડપી બનાવવા અને 31.01.2027 સુધીમાં ટ્રાયલ પૂર્ણ થાય તેની ખાતરી કરવાનો નિર્દેશ આપવામાં આવેલ છે. જો ટ્રાયલ ઉપરોક્ત તારીખ સુધીમાં પૂર્ણ ન થાય તો અરજદારને ગ્રાન્ટેડ ટ્રાયલ કોર્ટમાં અરજી કરવાની સ્વતંત્રતા અનામત રાખવામાં આવે છે. જેથી હવે અશ્વિન કાનગડનો જેલ વાસ ફરી લંબાયો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે મૃતકોના પરિવાર વતી હાઇકોર્ટમાં એડવોકેટ સુબોધ કુમુદ અને એડવોકેટ રાહુલ શર્મા રોકાયેલ હતા.

રિલેટેડ ન્યૂઝ