રાજકોટમાં એસ.આઇ.આર. સામે વાંધા અરજીઓ આજે અંતિમ દિન: 17મીએ યાદી જાહેર કરાશે

જિલ્લામાં 36400 ફોર્મ નામ રદ કરવા સબમીટ થયા હતા: ડેટા બેઝની કામગીરી અંતિમ ચરણમાં

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર) બાદ રાજકોટ જીલ્લાની આખરી મતદાર યાદીની પ્રસિધ્ધિ આગામી તા.17ના રોજ થનાર છે. જયારે આવતીકાલે તા.10ના વાંધા અરજીની સુનાવણીનો અંતિમ દિવસ છે. વાંધા અરજીની સુનાવણીની મોટાભાગની કામગીરી વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ જીલ્લા કલેકટર કચેરીના ચૂંટણી વિભાગ દ્વારા જીલ્લાની ફાઈનલ મતદાર યાદી માટે ડેટાબેઝની કામગીરી અંતિમ તબકકામાં ચાલી રહ્યાનું સુત્રોએ જણાવ્યું હતું. અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ જીલ્લામાં મતદારોના નામ રદ કરાવવા માટે 36400થી વધુ ફોર્મ નં.7 સબમીટ થવા પામ્યા હતા. જેમાં રાજકોટ પૂર્વમાં 10400, રાજકોટ પશ્ર્ચિમમાં 7300, રાજકોટ દક્ષિણમાં 4000, રાજકોટ ગ્રામ્યમાં 4300, જસદણમાં 600, ગોંડલ વિસ્તારમાં 400, જેતપુરમાં 6300 અને ધોરાજી વિસ્તારના 2800 મળી કુલ 36400થી વધુ ફોર્મ નં.7 મતદારોના નામ રદ કરાવવા માટે સબમીટ થયા હતા આટલી મોટી સંખ્યામાં ફોર્મ નં.7 સબમીટ થતા તેની સામે કોંગ્રેસે આક્રમક બની વિરોધ નોંધાવેલ હતો અને આ મામલે જીલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરી કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ હતી. હવે કલેકટર તંત્ર દ્વારા વાંધા અરજીઓની સુનાવણીની કામગીરી આખરી તબકકામાં ચાલી રહી છે. કાલે વાંધા અરજીની સુનાવણીનો અંતિમ દિવસ છે જે બાદ તા.17મીના રોજ કલેકટર તંત્ર દ્વારા મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરી દેવાશે. હાલ ચૂંટણી વિભાગના કર્મચારીઓ દ્વારા ફાઈનલ મતદાર યાદી માટે ડેટાબેઝની કામગીરી અંતિમ તબકકામાં ચાલી રહી છે.

રિલેટેડ ન્યૂઝ