કોર્ટના પગથીયા ચડયા વગર કયુ.આર. કોડથી ચૂકવણી કરી કેસનો નિકાલ કરો

રાજકોટમાં અદાલત દ્વારા સમાજની સુખાકારી માટે નવી પહેલની અમલવારી

ચેક રિટર્ન કેસમાં સમાધાન કરવા ઇચ્છતા આરોપી હવે કોર્ટનો એક પણ ધક્કો ખાયા વગર ક્યુઆર કોડથી ચુકવણું કરી કેસનો નિકાલ લાવી શકશે. કોર્ટના સૂત્રોએ જણાવ્યું કે આજરોજ તા.9થી જીલ્લા ન્યાયાલય, રાજકોટ દ્વારા સમાજની સુખાકારી અને ત્વરિત કેસના નિકાલ માટે એક નવી પહેલ કરવામાં આવી છે. રાજકોટ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા રાજકોટ જિલ્લાના મુખ્ય ન્યાયાધિશ દ્વારા જણાવવામાં આવે છે કે, હવેથી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અંતર્ગત દાખલ કરવામાં આવેલ કેસોમાં કેસ દાખલ થયા બાદ પ્રથમ સમન્સમાં એક ક્યુઆર છાપવામાં આવશે અને તે ક્યુઆર સ્કેન કરવાથી પક્ષકારને તેના કેસમાં ચુકવવા પાત્ર રહેલ રકમ, કેસના નંબર, પક્ષકારોના નામ વિગેરે જેવી વિગતો જોવા મળશે.પક્ષકાર દ્વારા ઓનલાઇન પેમેન્ટ થકી ચેકની રકમની ચુકવણી કરી શકશે અને આવી ઓનલાઇન પેમેન્ટની સફળ ચૂકવણી બાદ તુરંત જ પક્ષકાર દ્વારા કરવામાં આવેલ ઓનલાઇન પેમેન્ટની વિગત, કેસની વિગત જીલ્લા ન્યાયાલય, રાજકોટને મળશે અને આવા કેસોમાં આરોપીએ એકપણ વખત હાજર રહ્યા વિના તેના કેસનો ત્વરિત નિકાલ કરવામાં આવશે. આ પહેલ સુપ્રિમ કોર્ટના નિર્દેશોનું પાલન કરીને હાથ ધરવામાં આવી છે, જેમાં તમામ જિલ્લા અદાલતોને સમન્સના તબકકે જ આરોપીને ચેકની રકમની ઓનલાઇન ચુકવણી કરવાનો વિકલ્પ પૂરો પાડવાનો નિર્દેશ આવ્યો હતો, જેથી કેસોના વહેલા સમાધાન અને ઝડપી નિકાલને પ્રોત્સાહન મળી શકે. ગુજરાત રાજ્યના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલના વડપણ હેઠળ ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ અને રાજકોટ જિલ્લાના વહીવટ જજ ઇલેશ જે. વોરાના સક્રિય નિર્દેશોનુસાર અને રાજકોટ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધિશ જે.આર. શાહના દુરંદેશી અને અત્યંત પ્રભાવશાળી નેતૃત્વનું પરિણામે રાજકોટના ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં આ સિસ્ટમનો અમલ કરવામાં આવેલ છે. આવા બધા વ્યવહારો કોર્ટના બેંક ખાતા દ્વારા થાય છે અને કાયદાકીય રજિસ્ટર અને કોર્ટ ખાતાઓમાં નોંધાયેલા છે. ચુકવણી સીધી કોર્ટમાં પહોંચે છે અને કેસ પ્રક્રિયાગત વિલંબ વિના નિકાલ કરી શકાય છે. આ સુધારો ટેકનોલોજી આધારિત ન્યાયિક પ્રક્રિયા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.આ સિસ્ટમ હેઠળ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટએક્ટ કેસમાં આરોપી ક્યુઆર સ્કેન કરી ચેકની રકમ કોર્ટમાં હાજર રહ્યા વિના સીધી જ કોર્ટના નિયુક્ત બેંક ખાતામાં જમા કરાવી શકે છે. રકમ મળ્યા પછી કોર્ટ બેંકની સિસ્ટમ દ્વારા તરત જ વ્યવહારની ચકાસણી કરી શકે છે અને કેસના કમ્પાઉન્ડીંગ અને નિકાલ માટે યોગ્ય આદેશો પસાર કરી શકે છે અને કેસોનો નિકાલ આવે છે તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટના સચિવ એચ.વી. જોટાણીયાની યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ