જસદણ અને રાજકોટની મહિલાના મોતથી પરિવાર શોકમગ્ન
દ્વારકાધીશ સાથે ફુલડોલોત્સવ ઉજવવા માટે યાત્રિકોનો અવિરત પ્રવાહ દ્વારકા ભણી રહ્યો છે. ત્યારે પદયાત્રી ઉપર વાહનો કાળરુપી બન્યા છે. જામનગરના મોટા થાવરીયા નજીક ક્રેઇને બે મહિલા પદયાત્રીને હડફેટે લેતા જસદણની મહિલા પદયાત્રીનું મોત નિપજયું છે. જયારે ખંભાળીયાના મેઘપર નજીક અજાણ્યા વાહને રાજકોટની મહિલા પદયાત્રીને કચડી નાંખી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડીયા ગામના ચાર મહિલા જેઠીબેન રામાભાઇ ખટાણા (ઉ.વ. 54), આરતીબેન દિલીપભાઈ રબારી, કમુબેન દેવશીભાઈ મોરી, રાધાબેન ગભરૂભાઈ ખાંભલા પોતાના ગામથી પદયાત્રા કરીને દ્વારકાધીશજીના મંદિરે ફૂલડોલ ઉત્સવમાં જઈ રહ્યા હતા, જે દરમિયાન ગઈકાલે બપોરના સમયે જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર મોટા થાવરીયા ગામના પાસે અકસ્માત નડ્યો હતો.
ક્રેઈનના ચાલકે બેફામ ગતીએ આવી, પાછળની બે પદયાત્રી મહિલાઓ જેઠીબેન રામાભાઇ ખટાણા તેમજ રાધાબેન ગભરૂભાઈ ખાંભલાને હડફેટમાં લઈ લીધા હતા, જેમાં જેઠીબેન (ઉંમર વર્ષ 54)નું કરુણ મૃત્યુ નીપજ્યું છે, જયારે રાધા બેન ને જીજી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતક જેઠીબેનના પુત્ર વલ્લભભાઈ રામાભાઇ ખટાણા એ પોલીસ મથકમાં ક્રેઇનના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં એ.એસ.આઇ. એસ.સી જાડેજા બનાવના સ્થળે તેમજ હોસ્પિટલ માં દોડી ગયા હતા, જ્યારે ક્રેઈનના ચાલકની અટકાયત કરી લઈ ક્રેઇન કબજે કરી લીધી છે.
રાજકોટમાં શ્રદ્ધાપાર્ક સોસાયટી – 3 ખાતે રહેતા જીતેન્દ્રભાઈ જેરામભાઈ રામાણી નામના 52 વર્ષના પ્રૌઢ ગત તારીખ 17 ફેબ્રુઆરીના રોજ તેમના પત્ની શોભનાબેન, સાઢુભાઈ વિનુભાઈ તથા તેમના પત્ની રમાબેન, મોટાભાઈ બાબુભાઈ, સાઢુભાઈના જમાઈ પાર્થભાઈ વિગેરે રાજકોટથી દ્વારકા દર્શનાર્થે ચાલીને જવા માટે નીકળ્યા હતા. આ તમામ પરિવારજનો આજરોજ સવારના સમયે ખંભાળિયા તરફ પહોંચ્યા હતા. ત્યારે સવારના આશરે 6:45 વાગ્યાના સમયે ખંભાળિયા – દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે 20 કિલોમીટર દૂર મેઘપર ટીટોડી ગામ નજીક પહોંચ્યા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે શોભનાબેન (ઉ.વ. 51)ને પાછળથી ઠોકર મારી હતી.
આથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં શોભનાબેનને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હતો.
આ બનાવ અંગે મૃતકના પતિ જીતેન્દ્રભાઈ જેરામભાઈ રામાણીની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે સી.સી. ટી.વી. કેમેરા વિગેરે દ્વારા આરોપી વાહન ચાલકને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ કરુણ બનાવે મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરાવી છે.
