વિવિધ જણસીઓ આવતા સતાધીશો દ્વારા આવક બંધ કરાઈ: રોડ પર વાહનો સાથે અન્ય વાહન અથડાતા 10 મણ ધાણા ઢોળાયા
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા ની આવક શરૂ કરાતા જ વાહનોની કતારો લાગી હતી. હાઈવે ની બંને તરફ 3-3 કિમી 1500 થી વધુ વાહનોની લાઇનો લાગી હતી. યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો ધાણા લઈને આવ્યા હતા. પુષ્કળ આવક સાથે સિઝનની રેકોર્ડ બ્રેક દોઢ લાખ ગુણી ધાણા ની આવક થઈ હતી. જેમાં ખેડૂતો ને ધાણા ના 20 કિગ્રા ના 1100 થી 2300 તેમજ ધાણી ના 1100 થી 3600 સુધીના ભાવ મળ્યા હતા. બીજી તરફ ઘઉં ની 28000 ગુણી અને ડુંગળી ની 35000 ગુણી ની આવક થતા યાર્ડ જણસીઓ થી છલકાયું હતું. હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે તેવું યાર્ડના ચેરમેન દ્વારા જણાવ્યું હતું.
ગોંડલ માર્કેટ યાર્ડમાં જણસીઓની આવક શરૂ થતાં જ ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. યાર્ડ સત્તાધીશોના આયોજનના અભાવને કારણે ખેડૂતોને નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર કલાકો સુધી ઊભા રહેવાની ફરજ પડી રહી છે. આ સ્થિતિ વચ્ચે એક અકસ્માતમાં ખેડૂતના ધાણાને નુકસાન થયું હતું. જામવાડીથી ચોરડી સુધી ખેડૂતોના જણશી ભરેલા વાહનોની લાંબી કતારો લાગી હતી. ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી સર્વિસ રોડ સાંકડો બન્યો છે. દરમિયાન તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા દ્વારા એક વિડિયો શુટ કરાયો હતો.જેમાં એક પસાર થતા ડમ્પરે ખેડૂતના ધાણા ભરેલા વાહનને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં અંદાજે 10 મણથી વધુ ધાણા રોડ પર વેરાઈ ગયા હતા, જેનાથી ખેડૂતને આર્થિક નુકસાન થયું હતું. હર્ષદસિંહ ઝાલાએ આ ઘટના અંગે યાર્ડ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા છે. ઝાલાએ આક્ષેપ કર્યો હતો કે માર્કેટ યાર્ડ પાસે વિશાળ જગ્યા હોવા છતાં ખેડૂતોને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. તેમણે જણાવ્યું કે, માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે અને ગોંડલમાં મોટી આવક દર્શાવવા માટે ખેડૂતોને જોખમી રીતે રોડ પર ઊભા રાખવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અગાઉ પણ આવા ટ્રાફિક અને કતારોને કારણે અકસ્માતમાં ખેડૂતોના મોત થયા છે, છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. ખેડૂતોની માંગ છે કે જો જણસીઓની આવક ખોલવાની જાહેરાત કરવામાં આવી હોય, તો તેમને તાત્કાલિક યાર્ડના સુરક્ષિત પરિસરમાં પ્રવેશ આપવો જોઈએ, જેથી તેમનો માલ અને જીવ બંને સુરક્ષિત રહી શકે તેવુ હર્ષદસિંહ ઝાલાએ જણાવ્યું હતું.
