રાજકોટમાં કાર સર્વિસ સ્ટેશનમાં વેલ્ડીંગ કામ વેળાએ ભભૂકી આગ

ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી મેળવ્યો કાબુ

રાજકોટ શહેરમાં આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે શહેરમાં 3 જગ્યાએ આગના બનાવ બન્યા હતા. જેમાં ગઈકાલ સાંજે 4 કલાકની આસપાસ માધાપર ચોકડીમાં આવેલ મારુતિ કારના સર્વિસ સ્ટેશનઆમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. થતાની સાથે જ ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો તેમજ સદનસીબે જાનહાનિ ટળી હતી.
મળતી માહિતી મુજબ, રાજકોટના માધાપર ચોકડી નજીક આવેલ મારુતિ કારના સર્વિસ સ્ટેશનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાની સાથે જ રેલનગર ફાયર સ્ટેશન તેમજ રામાપીર ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે ફાયર ટેન્કર સાથે પહોંચી ગયો હતો. આગ વર્કશોપમાં આવેલ સર્વિસ વિભાગમાં રિપેરિંગમાં આવેલ ફોર વ્હીલમાં લાગી હતી. ફાયર સ્ટાફ દ્વારા 15 થી 20 મિનિટ સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગથી વર્કશોપમાં આવેલ અર્ટિગા ગાડી નં.ૠઉં03 ઙઉં-4891 સળગી જવા પામેલ. આગ લાગવાથી વેલ્ડિંગ મશીન, ઇલેક્ટ્રિક લોર્ડ તેમજ બાજુમાં પડેલ નવા પાર્ટ્સ જેમ કે, બમ્પર, હેડલાઇટ વગેરે આગની ઝપટમાં આવવાથી નુકશાન થયેલ છે. આ તકે ઘટના સ્થળે અજિતસિંહ હાજર હતા. તેઓના જણાવ્યાનુસાર, અર્ટિગા ગાડીમાં વેલ્ડિંગ કામ કરતા સમયે આગ લાગી હતી. આગથી કોઈ જાનહાનિ થયેલ નથી તેમજ નુકશાનીનો આંક હજુ સુધી જાણવા મળેલ નથી. ફાયર વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરીને આગને ફેલાવતા અટકાવેલ હતી તેમજ રિપેરિંગ વિભાગના પડેલ ઈકો ગાડી તેમજ અન્ય વસ્તુઓને આગની ઝપેટમાં આવતા બચાવી લેવામાં આવી હતી. ઘટના સ્થળ પર અજિતસિંહ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.આ તકે ભૂપતભાઈ જેસાણી, કિશન માલકિયા, નિલેશ બગોદરિયા, મયુર બોદર, મેહુલ જાંબુકીયા, બિપીન અંબાસણીયા, વિનોદભાઈ મકવાણા, મેહુલ આમલિયાર, વૈશલજી જાડેજા, વિનય પટેલ, અવિનાશ પટેલ, અજયભાઈ, વિજય મકવાણા સહિતનો રેલનગર અને રામાપીર ફાયર સ્ટેશનના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ