રાજકોટ જિલ્લા ક્રાઇમ ડાયરી

ચુનારાવાડમાં બે સગા ભાઈ બાખડ્યા
શહેરના ચુનારાવાડમાં ભાઈએ ભાઈને છરી ઝીંકી હતી. જેમાં ઈજાગ્રસ્તને રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. જે મળતી વિગત અનુસાર, આકાશ ધીરુભાઈ સોલંકી (ઉંમર વર્ષ 22 રહે. ચુનારાવાડ ચોક, શેરી નંબર 4) આજે બપોરે દોઢ વાગ્યાં આસપાસ ઘરે હતો ત્યારે તેમના ભાઈ બબલુએ ઝઘડો કરી છરી વડે ઘા મારતા સાથળ અને શરીરે ઈજા થતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. પરિવાર જન્મે જણાવ્યું કે બંને ભાઈઓ રિક્ષા ચલાવે છે. બંને વચ્ચે અવારનવાર કોઈને કોઈ બાબતે ઝઘડો થતો હોય છે. આજે બંને બપોરે ઘરે હતા ત્યારે ફરી બંને વચ્ચે ઝઘડો થયો. હતો અને જેમાં બબલુએ આકાશને છરી મારી દીધી હતી. બીજા એક બનાવમાં દેવુબેન ખેંગારભાઈ સાળવીયા (ઉંમર વર્ષ 60, રહે. નાકરાવાડી ગામ, તા. જિ. રાજકોટ) ગઈકાલે સાંજે 7 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે સામેવાળા તેના ભત્રીજા વિષ્ણુભાઈએ ઝઘડો કરીને લોખંડના પાઇપ વડે માર મારતા, પડખાના ભાગે ઈજા થતાં રાજકોટ સિવિલમાં સારવાર લીધી હતી. પોલીસે બંને બનાવમાં નિવેદન લેવા તજવીજ કરી હતી.
ચેક રિટર્નના કેસમાં લોનધારકનો નિર્દોષ છૂટકારો
ફરિયાદી કેશવસ્મૃતિ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટી લિમિટેડમાંથી આરોપી યશ વિનયચંદ્ર ભટ્ટએ મંડળી માંથી રૂ.1 લાખની લોન લીધેલ. હપ્તા આરોપીએ નિયમિત ભરેલ નહીં. જેથી આરોપી પાસેથી ફરિયાદીએ હપ્તાની ઉઘરાણી કરતાં આરોપીએ બાકી નીકળતાં લેણા માટે ફરિયાદી મંડળીને રૂ.1,1ર,500 નો ચેક આપેલ હતો. આ ચેક ફંડસ્ ઈન્સફીશયન્ટના કારણોસર પરત ફરેલ હતો. નોટિસ બજી ગયેલ હોવા છતાં બાકી નીકળતા નાણાંની ચુકવણી ન કરતા મંડળીના ચેરમેન આશુતોષ નવલભાઈ શીલુ એ આરોપી વિરુદ્ધ રાજકોટની અદાલતમાં ચેક રિટર્નની ફરીયાદ દાખલ કરેલ હતી. કેસ ચાલી જતા આરોપી પક્ષના વકીલ અજય તોલાણી દ્વારા ફરિયાદીની ઉંઙાણપૂર્વક ઉલટતપાસ અને ધારધાર દલીલો કરતા તેમજ તેની સાથે રજૂ રાખેલ વિવિધ ચુકાદાઓને ધ્યાને લેતા, અદાલત દ્વારા આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ ફરમાવામાં આવેલ હતો. આ કેસમાં આરોપી યશ વિનયચંદ્ર ભટ્ટ વતી લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલના યુવા વકીલ અજય આર. તોલાણી રોકાયેલ હતા.
4.200 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપાયેલ આરોપી જામીન મુક્ત
તા.21/12/25 ના રોજ ભક્તિનગર પોલીસે બાતમીના આધારે રેડ કરી 4.200 કીલગ્રામ ગાંજાના કેસમાં આરોપી ફિરોઝભાઈ આમદભાઈ રાઉમા (રહે. વિનોદનગર આવાસ યોજના કવાર્ટર)ની ધરપકડ કરી હતી. ગુનો નોંધી આરોપીની અટકાયત કરી જેલ હવાલે કરાયો હતો. જેલમાંથી આરોપીએ જામીન ઉપર છૂટવા સેશન્સ અદાલતમાં જામીન અરજી કરી હતી. જેમાં બચાવપક્ષના એડવોકેટ રોહિત બી. ઘીયાએ એવી રજુઆત કરી હતી કે, માદક પદાર્થ એન.ડી.પી.એસ. ચાર્ટ જોતા ઈન્ટરમીડીયેટ કવોન્ટીટીમાં આવે છે તેથી એન.ડી.પી.એસ. એકટની કલમ-37નો બાધ નડતો નથી. ચાર્જશીટ ફાઈલ થઈ ગયેલ છે. તેમજ ઉચ્ચ અદાલતના માર્ગદર્શક ચુકાદાઓ ઉપર ધ્યાન દોરતા કોર્ટ ધ્વારા દલીલ ગ્રાહય રાખી આરોપીને શરતી જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રોહીતભાઈ બી. ઘીયા, હર્ષ રોહીતભાઈ ઘીયા, હર્ષીતભાઈ પાંઉ અને મદદમાં રીધ્ધીબેન ખંધેડીયા, મીતલબેન ધોકીયા રોકાયેલા હતા.
અમરાપુરમાં ગાંજાનું વાવેતર કરનાર ખેડુતના જામીન સેશન્સ કોર્ટમાં મંજુર
ગત તારીખ:13/12/2025ના રોજ વિંછીયા પોલીસ સ્ટેશનને બાતમી મળેલ હોય કે, આરોપી શામજીભાઈ સવાભાઈ ઝાપડીયાએ અમરાપુર ગામની સીમમાં પોતાની વાડી(ખેતર)માં ગાંજાનું વાવેતર કરેલ છે. દરોડો પાડતા આરોપી હાજર મળી આવેલ અને ખેતરમાં કપાસના વાવેતર વચ્ચે ગાંજાના છોડ મળી આવ્યા હતા. ગાંજો કબ્જે કરી ગુનો દાખલ કરી પોલીસે આરોપીની સ્થળ પરથી જ ધરપકડ કરી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ.એકટની કલમ 8(બી), 8(સી), 20(બી)(2-બી), 20(એ)(1) મુજબનો ગુન્હો નોંધી રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરવામાં આવેલ. જેલમાં રહેલ આરોપી શામજીભાઈ ઝાપડીયાએ પોતાના વકીલ રૂપરાજસિંહ પરમાર મારફત રાજકોટની સ્પેશ્યલ એન.ડી.પી.એસ.કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ. જે જામીનઅરજી ચાલી જતા આરોપી તરફે થયેલ દલીલો તેમજ ઉચ્ચ અદાલતોના રજુ કરવામાં આવેલ ચુકાદાઓને ધ્યાને લઇ રાજકોટ સ્પેશ્યલ એન.ડી.પી.એસ.કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી મંજુર કરી આરોપીને જામીન મુકત કરવાનો હુકમ કરેલ હતો. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ રૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરંજા, રવિભાઈ લાલ, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, જીતભાઈ શાહ, દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ, રહિમભાઈ હેરંજા તથા પ્રેમરાજસિંહ પરમાર રોકાયેલ હતા.
દુષ્કર્મીના રેગ્યુલર જામીન અરજી રદ કરતી સેશન્સ કોર્ટ
ગત તારીખ 8-2-2026 ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ફરિયાદી સ્ત્રીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ કે, આરોપી હરેશભાઈ મોતીભાઈ જાદવ (રહે બેડી,વાછકપર ગામ, મોરબી રોડ, રાજકોટ)એ ફરિયાદી સ્ત્રી સાથે ઓળખાણ કરી તેણીને મળવા માટે બોલાવી કેફી પીણું પીવડાવી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચારેલ હતું. ફરિયાદીને ધમકી આપી તેનું અપહરણ કરી ઈન્દોર મુકામે લઈ જઈ ત્યાં પણ ફરિયાદીને કેફી પીણું પીવડાવી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલ. ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આરોપી હરેશભાઈ મોતીભાઈ જાદવની ધરપકડ કરી જેલ હવાલે કરેલ. જેલમાં રહેલ આરોપીએ જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે, આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે. આવા દુષ્કર્મના ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં. જો તેને જમીન આપવામાં આવશે તો તેને કાયદાનો કોઈ ડર રહેશે નહીં. તેથી જામીન અરજી રદ કરવા રજૂઆત કરેલ. તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ ટી. એસ બ્રહ્મભટ્ટએ આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીનો જામીન પર છૂટકારો
રાજકોટના જામનગર રોડ નાગેશ્વર વિસ્તારમાં યુનિકેર હોસ્પીટલ પાછળ રહેતી 16 વર્ષની સગીરાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એ મુજબની ફરીયાદ લખાવેલ હતી કે, પોતાને એકાદ વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ મારફત આરોપીનો પરીચય થયેલો અને તેમાં ફ્રેન્ડ રીકવેસ્ટ આરોપીએ મોકલેલી જે ફરીયાદીએ સ્વીકારેલ હતી અને ત્યારબાદ આરોપી અને ફરીયાદીને અવાર-નવાર વાતચીત થતી હતી.તા. 09/06/2025 ના રોજ ફરીયાદી તથા આરોપી અને તેના મીત્રો ગોવા મુકામે ફરવા ગયેલા જયાં કલંગુટ હોટલમાં રોકાયેલા હતા. જયાં આરોપીએ અવાર-નવાર શરીર સબંધ બાંધેલ. સગીરા રાજકોટ આવ્યા બાદ તેના માતા-પિતા સાથે ઝઘડો કરી ઘરેથી નીકળી રેસકોર્ષ રીંગ રોડ પર આરોપીને બોલાવેલ હતો. આરોપી સગીરાને ગોંડલ ખાતે પોતાના ઘરે લઈ ગયેલ. તારી સાથે લગ્ન કરવાનો છું તેમ કહી અનેક વખત શરીર સંબંધ બાંધેલ. પોલીસે આરોપી અરમાન સલીમભાઈ ગોદાણીની ધરપકડ કરી, જેલ હવાલે કરેલ. જેલમાંથી આરોપીએ જામીન પર છુટવા માટે સ્પે. પોકસો કોર્ટમાં જામીન અરજી ગુજારેલ. જે સ્પે. પોકસો કોર્ટે નામંજુર કરેલ. જેથી હાઈકોર્ટમાં આરોપીએ પોતાના વકીલ મારફત રેગ્યુલર જામીન અરજી ગુજારેલ હતી જે જામીન અરજી ચાલવા ઉપર આવતા આરોપી તરફે એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતોને ધ્યાનમાં રાખી હાઇકોર્ટે આરોપીને રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામમા આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ.જાદવ તથા મદદનીશમાં અભય ચાવડા, વિક્રમ કિહલા, સંજય મકવાણા, વિશાલ ડેડાણીયા, ગૌરવ જરીયા તેમજ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ અનીલ એચ. રાઠોડ રોકાયેલા હતા.
વ્યભિચારી જીવન જીવતી પત્નીની વચગાળાના ભરણપોષણની અરજી ફેમિલિ કોર્ટે ના-મંજુર કરી
પુરુષ મિત્ર સાથે વ્યભીચારી જીવન જીવતી પત્નીએ કરેલ વચગાળાના ભરણપોષણની અરજી રાજકોટ ફેમિલી કોર્ટે નામંજુર કરી છે. કેસની વિગત મુજબ, પતિ દ્વારા પત્ની હાલ તેના પ્રેમી સાથે વ્યભીચારી જીવન જીવતી હોવાથી હિન્દુ લગ્ન અધિનિયમની કલમ-13 (એ) અન્વયે લગ્નવિચ્છેદનું હુકમનામું મેળવવા રાજકોટ ફેમિલી કોર્ટના પ્રિન્સીપાલ જજ સમક્ષ દાવો દાખલ કરેલ છે. જેમાં પત્ની દ્વારા હિન્દુ લગ્ન અધિનિયમની કલમ-24 અન્વયે વચગાળાનું ભરણપોષણ મેળવવા કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવેલ અને દલીલ કરવામાં આવેલ કે, હાલ પત્ની પાસે આવકનો કોઈપણ સ્વતંત્ર સ્ત્રોત્ર નથી અને પોતાનુ ભરણપોષણ કરવામાં અસમર્થ છે. જ્યારે પતિ પાસે આવકના પુરતા સાધનો છે. પરંતુ તેઓ જાણી જોઈને પત્નીને ભરણપોષણ આપવાનો ઈન્કાર કરે છે. પતિ તરફે રોકાયેલા એડવોકેટ પ્રકાશ એન. બેડવા દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ કે, આ કેસમાં પત્ની ભરણપોષણ લેવા માટે હકકદાર નથી. કારણ કે તેઓ હાલ પોતાની મરજીથી અલગ રહે છે. અન્ય પુરૂષ સાથે હાલ વ્યભીચારી જીવન જીવે છે. ફોટોગ્રાફસ અને કરાર તેઓના દ્વારા કોર્ટમાં રજુ રાખેલ હતા. બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ઠરાવેલ કે, કોર્ટે રેકર્ડનો કાળજીપુર્વક અભ્યાસ કરેલ છે અને કોટે ભરણપોષણની અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં પતિ તરફે એડવોકેટ પ્રકાશ નથુભાઈ બેડવા, માધવભાઈ બગડા, અશોકભાઈ વાઘેલા, અભીભાઈ ચોલેરા, મદદનીશ જોશનાબેન જી. સોલંકી, આર. કે. વાઘેલા અને હિતેષભાઈ બેડવા રોકાયેલ હતા.

રિલેટેડ ન્યૂઝ