જંગલેશ્ર્વરમાં તંત્ર દ્વારા પાર્ટ-2ની તૈયારી, ગમે ત્યારે મશીનો ખડકાશે

આસામી પક્ષકારોના હિયરીંગ પૂર્ણ થતાં મહેસુલી મંચ એક્શનમાં: ચૂકાદા તરફ નજર

શહેરના જંગલેશ્ર્વર વિસ્તારની 1.05 લાખ ચો.મીટર સરકારી જમીન પર વર્ષોથી અનઅધિકૃત રીતે ખડકાયેલા મકાનોના ડીમોલીશનના મામલે ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલમાં બન્ને પક્ષોના હીયરીંગ પૂર્ણ કરી દેવામાં આવેલ છે. હવે ગમે ત્યારે આ કેસમાં ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ દ્વારા ફેંસલો જાહેર કરવામાં આવનાર છે. અહીં એ ઉલ્લેખનીય છે કે જંગલેશ્ર્વર વિસ્તારની આ સરકારી જમીન પર ગેરકાયદે ખડકાયેલા કાચા-પાકા 1358 મકાનોના ડીમોલીશનના મામલે દબાણકારો ગુજરાત હાઈકોર્ટમાં જતા કાનુની જંગના મંડાણ થવા પામેલ હતા.
આ પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટે દબાણકારો- આસામીઓને ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ સમક્ષ જવા આદેશ આપેલ હતો. જેમાં ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલને આ પ્રકરણમાં ત્રણ માસમાં સુનાવણી 90 દિવસમાં પૂર્ણ કરી દેવા માટે તાકીદ કરવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ દ્વારા આ પ્રકરણમાં પક્ષકારો-દબાણકારોની દલીલ વિગતવાર સાંભળવામાં આવી છે. અને કલેકટર તંત્ર-મામલતદાર તંત્ર દ્વારા રજૂ કરાયેલા તમામ પુરાવાની ચકાસણી કરી લેવામાં આવી છે. તેની સાથોસાથ કલેકટર તંત્ર- મામલતદાર તંત્ર દ્વારા રજૂ કરેલ જવાબ પણ સાંભળવામાં આવેલ છે. હવે રેવન્યુ ટ્રીબ્યુનલ દ્વારા માનવીય અભિગમ અપનાવશે કે પછી સરકારી જમીન ખાલી કરાવવા માટે ઓપરેશન ડીમોલીશન કરવાનો આદેશ આપશે તેના તરફ હજારો પરિવારોની મીટ મંડાયેલી છે.

રિલેટેડ ન્યૂઝ