મનપા, તાલુકા, જિલ્લા, ન.પા.માં જવાબદારી કોને સોંપવી? નવા પદાધિકારી નક્કી કરવા થશે સેન્સ કવાયત

સંભવત: તા. 6 આસપાસ પાર્લામેન્ટ્રી બોર્ડમાં નિર્ણય લેવાયા બાદ તા. 10-12 સુધીમાં નવા પદાધિકારી પદગ્રહણ કરી લેશે

તમામની રાજકીય કુંડળી સાથે પેનલ તૈયાર કરીને પ્રદેશમાંથી આવશે નિરિક્ષકોની ટીમ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં જબરા વિજય બાદ ભાજપે હવે પ્રમુખ-મેયર સહિતના પદાધિકારીઓની નિયુક્તિની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને આવતીકાલ શુક્રવારથી રવિવાર (તા.1થી3) સુધીમાં તમામ જીલ્લા-મહાનગરોમાં પક્ષના નિરિક્ષકો પહોંચીને નવા પદાધિકારીઓ માટે સેન્સ લઈને તેનો પેનલ સહિતનો રિપોર્ટ મોવડીમંડળને સુપ્રત કરશે. ગઈકાલથી જ ભાજપના પ્રદેશ કાર્યાલયથી જે તે જીલ્લા-મહાનગરોમાં જે નિરીક્ષકો નિયુક્ત કરાયા છે. તેઓને ઉપરાંત ચુંટણી પ્રભારીઓ તથા જે તે જીલ્લા-મહાનગરના પ્રમુખોને આ અંગેના ઈ-મેલ મળવા લાગ્યા છે.
પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ નિરિક્ષકોની પેનલમાં પહેલા તાલુકા પંચાયત બાદમાં નગરપાલિકા તથા તે બાદ જીલ્લા પંચાયત અને એમ મહાનગરપાલિકાના પદાધિકારીઓ માટે પેનલ બનશે. ભાજપે આ માટે જેમાં કઈ દાવેદાર હોય તેની પુરી પોલીટીકસ કુંડળી મેળવવા પણ નિરીક્ષકોને જણાવ્યુ છે અને તેની સાથે તેઓએ ભૂતકાળમાં કોઈ હોદા પર કામ કર્યુ હોય તો તેની પણ માહિતી આપવાની રહેશે.
આ ઉપરાંત પ્રથમ વખત ભાજપે હવે જે તે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની પ્રમુખ કે મેયર, ઉપપ્રમુખ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન કે કારોબારી સમીતીના ચેરમેન આ તમામ હોદાઓ ઉપરાંત જે સમીતીઓના ચેરમેન નિયુક્ત થાય છે તે માટે પણ સેન્સ લેવા નિરીક્ષકોને જણાવ્યું છે. જેમકે જીલ્લા-મહાપાલિકામાં બાંધકામ-સમાજ કલ્યાણ એમ વિવિધ 8-10 સમિતી હોય છે. તેના નામોની પણ પેનલ બનશે.
આમ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું પુરુ માળખું હવે ગાંધીનગરથી નકકી થશે અને સ્થાનિક સ્તરે ફકત ઈ-મેલ કે બંધ કવરથી જ જાણ કરવામાં આવશે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ તા.3 મે એટલે કે રવિવાર સુધીમાં આ કામગીરી પુરી થશે તો તા.4 મે કે તે પછીના દિવસોમાં પક્ષની પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે અને તેમાં પહેલા તાલુકા પંચાયત બાદમાં નગરપાલિકા તે પછી જીલ્લા પંચાયત અને છેલ્લે મહાપાલિકાના નવા પદાધિકારી નિશ્ર્ચિત થશે અને રાજયભરના તા.10-12 મે વચ્ચે નવા પદાધિકારીઓ શાસન સંભાળી લેશે.

ઉમેદવારોની પસંદગી જેવી સ્થિતિ રીપીટ ન થાય તે જોવા ખાસ તાકિદ
તા.1 તથા 2 મેના રોજ સુરતમાં વાઇબ્રન્ટ સમીટ યોજાઇ રહી છે અને તે સમય દરમિયાન ભાજપ નીરીક્ષકો પાસેથી જિલ્લા અને મહાનગર સ્તરે સેન્સની કાર્યવાહી પુરી કરાવી અને તા.4ના રોજ ગાંધીનગરમાં તમામ નિરીક્ષકો પોતાના રીપોર્ટ રજુ કરશે. સુત્રોના જણાવ્યા મુજબ તા.4ના પાંચ ચૂંટણી પરિણામ પણ આવી રહ્યા છે અને તેથી તે બાદ પાર્લામેન્ટ્રી બોર્ડ મળશે. સુત્રોના જણાવ્યા મુજબ પદાધિકારીઓ માટે સેન્સના નિયમો પણ નકકી કરાયા છે અને જેમ ચૂંટણી સમયે ઉમેદવારોની પસંદગીમાં ધારાસભ્યો અને સાંસદોએ કેટલાક સ્થળોએ મોવડી મંડળને ગેરમાર્ગે દોર્યું હતું તે પરિસ્થિતિ ઉભી ન થાય તે જોવાની ખાસ તાકિદ કરવામાં આવી છે અને નવા પદાધિકારીઓ સાથે ભાજપે 2027ની ધારાસભા ચૂંટણીમાં જવાનું હોવાથી ચહેરાઓની પસંદગીમાં પણ ખાસ સાવચેતી રખાશે.

રિલેટેડ ન્યૂઝ