રાજકોટ ગોંડલ રોડ ઉપર શિવા હોટલમાં ચાલતા કુટણખાનામાંથી બે શખ્સ પકડાયા

સંચાલક અને મેનેજરની 1.71 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ

ગોંડલ રોડ પરની શિવા હોટલમાં ચાલતાં દેહવ્યાપારના ધંધાનો એ.ડિવિઝન પોલીસે પર્દાફાશ કરી સંચાલક અને મેનેજરની ધરપકડ કરી રોકડ, કોન્ડોમ સહિત રૂ.1.71 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. મૂળ ગોંડલનો સંચાલક નિશાંત રૂપારેલીયા બે વર્ષ પહેલાં ક્રિકેટ સટ્ટામાં રૂપીયા હારી જતાં કવર કરવાં રાજકોટ આવ્યો અને ગોરખધંધો ચાલુ કર્યો, પહેલાં બસ સ્ટેન્ડ પાછળ બાદ ચારેક માસથી વિજય પ્લાઝા કોમ્પલેક્ષમાં કૂટણખાનું શરૂ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
દરોડાની વિગત મુજબ, એ.ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જે. વી.વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ એસ.એન.રાણા અને આર.એમ.બારાડીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ચાવડા, કનુભાઈ બસીયા, કરણભાઈ વિરસોડીયા અને કૃતીકાબેનને હોટલમાં ચાલતા ગેરકાયદેસર કુંટણખાના અંગે હકીકત મળેલ કે, ગોંડલ રોડ પરની શીવા હોટલમા બીજો માળની અંદર સંચાલક નિશાંત રૂપારેલીયા અને મેનેજર નિવલેશ આસવાણી હોટલમાં છોકરીઓ રાખી બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવે છે. જે બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહકને હોટલમાં મોકલ્યા બાદ ડમી ગ્રાહકે મેસેજ કરતાં જ ટીમ હોટલમાં દરોડો પાડ્યો હતો.
હોટલમાં કાઉન્ટર પર બેસેલ શખ્સનું નામ પુછતા પોતાનું નામ નિલેશ ઈશ્વરલાલ આસવાણી (ઉ.વ.42, રહે, જેતપુર, લાદી રોડ શાક માર્કેટ પાસે ) હોવાનુ અને પોતે મેનેજર હોવાનુ જણાવ્યું હતું. બાજુમાં બેસેલ વ્યક્તિનું નામ પુછતા પોતે નિશાંત કિશોર રૂપારેલીયા (ઉ.વ. 35, રહે, 150 ફૂટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે, અયોધ્યા રેસી. શેરી) હોવાનુ અને પોતે આ હોટલનો સંચાલક હોવાનું જણાવેલ હતું. બંને શખ્સોને સાથે રાખી હોટલના રૂમો ચેક કરાવતા રૂમ નંબર – 105 ની અંદર એક રસ્ત્રી તથા એક પુરૂષ કઢંગી હાલતમાં મળી આવેલ હતાં.
ત્યાંથી મળી આવેલ મહારાષ્ટ્રની મહિલાએ જણાવેલ કે, આ આવેલ ગ્રાહકને શીવા હોટેલના માલીક નિશાંત રૂપારેલીયા અને મેનેજર નિલેશ આસવાણી બહારથી ગ્રાહકો મોકલે છે અને તેઓ ગ્રાહક દીઠ રૂ.3 હજાર લઈ તેમાંથી રૂ.1 હજાર અમને આપે છે અને બાકીના રૂ. 1500 પોતાની પાસે રાખી હોટેલમાં એન્ટ્રી ફી 500 અલગથી લે છે. પોલીસે અલગ અલગ રૂમમાંથી મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડની ત્રણ મહિલાને યૌન શોષણમાંથી મુક્ત કરાવી રોકડ અને કોન્ડોમના પેકેટ સહિત કુલ રૂ.1.71 લાખનો મુદામાલ કબ્જે કર્યા હતો. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,પકડાયેલા આરોપી નિશાંત રૂપારેલીયા મૂળ ગોંડલનો વતની છે અને તે ગોંડલમાં રહેતો ત્યારે ક્રિકેટ સટ્ટામાં રૂપીયા હારી જતા તે રૂપિયા કવર કરવા માટે બે વર્ષ પહેલાં રાજકોટ આવી કુટણખાનાનો ધંધો શરૂ કરી દીધો હતો.

કૂટણખાનામાં સબાબની સાથે શરાબની પાર્ટી પણ થતી ’તી: દારૂની બોટલ પણ મળી આવી
એ ડિવિઝન પોલીસે ગોંડલ રોડ પર વિજય પ્લાઝા કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ શીવા હોટલમાં દરોડો પાડી કુટણખાનુ ઝડપી પાડ્યું હતું. પોલીસે કરેલ તપાસમાં હોટલના કાઉન્ટરમાંથી એક દારૂની બોટલ પણ મળી આવતા હોટલ સંચાલક નિશાન કિશોર રૂપારેલીયા સામે અલગથી પ્રોહીબીશનની કલમ હેઠળ પણ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ