શિક્ષણ અને જેલ તંત્ર દ્વારા અપાયેલા માર્ગદર્શનથી કેદીઓ પાસ થયા
રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદ કેદીઓએ પણ સાક્ષરતા દેખાડી હતી અને ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ આપી હતી. જેમાં ધો.12 માં પરીક્ષા આપનાર ચારેય કેદીઓ ઉતીર્ણ થયા હતા. જ્યારે ધો. 10 માં છ કેદીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી બે કેદી ઉતીર્ણ થયા છે.રાજ્યની જેલના વડા ડો. કે.એલ. એન. રાવ તથા એડી.ડીઆઇજી જેલ (રાજકોટ) ડો. ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલ અધિક્ષક વી.પી.ગોહિલના નેતૃત્વમાં રાજકોટ મધ્યસ્થ જેલના બંદીવાનો ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણ વિભાગ તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સાથે પરામર્શમાં રહી જેલમાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 10 માં છ તથા ધોરણ 12 માં 4 કેદીઓએ પરીક્ષા આપી હતી. કેદીઓ સખત મહેનત તથા શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા જસ્મીનભાઈ ચંદ્રવાડિયાના અથાગ પ્રયાસોથી ધોરણ 12 માં પરીક્ષા આપનાર ચારેય કેદીઓ ઉતીર્ણ થયા હતા. જ્યારે ધોરણ 10 માં બે કેદી ઉત્તીર્ણ થયા હતા. જેલમાં રહી શિક્ષણના પાઠ ભણી પરીક્ષા પાસ કરનાર કેદી તથા શિક્ષણ વિભાગના સ્ટાફને ડીવાયએસપી ડી.પી. રબારી, સિનિયર જેલર એમ.આર. ઝાલા, પી.કે. ચુડાસમાએ શુભેચ્છા પાઠવી હતી.
