લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વખતે કાર પલ્ટી જતા ઘટી ઘટના
રાજકોટ રહેતા છ યુવાનો ચોટીલા નજીક મિત્રોના લગ્નમાંથી પરતફ ફરતા હતા ત્યારે ચોટીલા-અમદાવાદ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક એક સ્વીફ્ટ કાર ડિવાઈડર સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય છ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, સ્વીફ્ટ કાર અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહી હતી. સાંગાણી ગામ પાસે ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર રોડ પરના ડિવાઈડર સાથે જોરદાર ટકરાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું.અકસ્માત થતાં જ આસપાસથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનો મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. 108ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તમામ છ ઘાયલોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દિપેન ભરતભાઇ પરમાર નામન યુવકનું મોત નિપજયું હતું. જયારે શૈલેન્દ્ર મહીપાલ યાદવ (ઉ.વ.13) અને શંકર પપ્પુભાઇ યાદવ (ઉ.વ.20) સહીત પાંચ યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. કાર સવાર મિત્રો ચોટીલા નજીક મિત્રના લગ્નમાંથી પરમ ફરતા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માત પાછળ એક ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, ગત ગુરુવારે રાત્રે આ જ સ્થળે ખાનગી લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. તે અકસ્માત દરમિયાન ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં ડામર રોડ પર ઢોળાઈ ગયો હતો. આ અકસ્માત બાદ રોડ પરથી ડામર યોગ્ય રીતે સાફ કરવામાં આવ્યો ન હતો, જેના કારણે રસ્તા પર અત્યંત ચીકાશ અને લપસણી સપાટી સર્જાઈ ગઈ હતી. આજે અમદાવાદ તરફથી આવી રહેલી સ્વીફ્ટ કાર આ ડામરવાળા રોડ પરથી પસાર થતાં જ ટાયરે પકડ ગુમાવી દીધી હતી અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.
