રાજકોટમાં જુદાજુદા બે સ્થળે રૂપીયાની લેતી દેતીમાં યુવક અને પરિણીતાએ વખ ઘોળ્યું

બન્નેને ઝેરી અસર થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા
શહેરમાં બાબરીયા કોલોની પાસે આવેલ રઘુવીર સોસાયટીમાં રહેતા યુવાને રૂૂ.1.65 લાખમાં ખરીદેલી કાર પરત આપી દેવા છતાં કાર માલિકે રૂૂપિયા પરત નહીં આપી રૂા.6 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપ્યાના આક્ષેપ સાથે યુવાને ખોખડદળ ગામ ખાતે ફીનાઇલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રઘુવીર સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ કૃષ્ણરાજસિંહ જેઠવા (ઉ.વ.21)એ બપોરના સમયે ખોખડદળ ગામ ખાતે હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં દિવ્યરાજસિંહ જેઠવાએ અરબાઝ સુમરા પાસેથી રૂા.1.65 લાખમાં સ્કોર્પિયો ગાડી લીધી હતી. જે પરત આપી દેવા છતાં આપેલ રૂૂપિયા પરત નહિ કરી રૂા.6 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા પગલું ભર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં આજીડેમ ચોકડી પાસે ભારતનગરમાં રહેતી રહેમતબેન સાજીદભાઈ બેલીમ નામની 30 વર્ષની પરિણીતા પાસે તેની માસીની દીકરી રજૂબેને ચડત મકાન ભાડાના રૂા.8,000 ની ઉઘરાણી કરી ધમકી આપી હોવાના અક્ષેપ સાથે રહેમતબેન બેલીમે આજીડેમ ખાતે આવેલા બગીચામાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાની ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ