ગોંડલ નજીક ટ્રેન નીચે ઝંપલાવી બંધીયાના યુવાનનો આપઘાત

પોલીસે યુવાનના મૃતદેહનો કબજો સંભાળી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી

ગોંડલ નજીક આવેલા સુરેશ્વર અને ભોજપરા ફાટક વચ્ચે એક 28 વર્ષીય યુવાને ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. ગોંડલ સ્ટેશનેથી ટ્રેન ઉપડ્યાની ગણતરીની મિનિટોમાં જ આ કરુણ ઘટના ઘટી હતી. યુવાનના આપઘાતના પગલે પરિવાર અને સમગ્ર બંધિયા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલ તાલુકાના બંધિયા ગામમાં રહેતા અને કડિયાકામ કરીને ગુજરાન ચલાવતા 28 વર્ષીય પ્રિયંકભાઈ રમેશભાઈ કાકરેચા નામના અપરિણીત યુવાને અગમ્ય કારણોસર આ અંતિમ પગલું ભર્યું હતું. ગોંડલ રેલવે સ્ટેશનેથી વેરાવળ-જબલપુર એક્સપ્રેસ (ટ્રેન નંબર 11463) ઉપડી હતી. ટ્રેન ઉપડ્યાની માત્ર બે જ મિનિટમાં સુરેશ્વર અને ભોજપરા ફાટક વચ્ચે પસાર થતી આ ટ્રેન નીચે પ્રિયંકભાઈએ પડતું મૂકીને કમકમાટીભર્યો આપઘાત કરી લીધો હતો.
આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને ગોંડલ તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે કાયદેસરની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરીને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
મૃતક પ્રિયંકભાઈ તેના ઘરમાં સૌથી નાનો અને આશાસ્પદ દીકરો હતો. તેના આ અચાનક અને આકસ્મિક પગલાંથી પરિવારજનો ઘેરા આઘાતમાં સરી પડ્યા છે અને બંધિયા ગામમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. આશાસ્પદ યુવાને કયા કારણોસર આટલું મોટું પગલું ભરીને પોતાની જિંદગીનો અંત આણ્યો, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આપઘાતનું સાચું કારણ જાણવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ