કારખાનામાંથી 4 બોટલ દારૂ અને બાઈટીંગ મળી આવ્યું
રાજકોટ શહેરમાં દારૂબંધીના કાયદાના કડક અમલ વચ્ચે ભક્તિનગર પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરીને નહેરૂનગર વિસ્તારમાં આવેલા એક કારખાનામાં ચાલતી શરાબની મહેફિલનો પર્દાફાશ કર્યો છે. આ દરોડાની વિગત એવી છે કે, ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જે. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મયુરદાન બાટી, કોન્સ્ટેબલ રવિભાઈ રત્નુ તથા નરસંગભાઇ ગઢવી સહિતનો સ્ટાફ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસ ટીમને ખાનગી રાહે એવી ચોક્કસ માહિતી મળી હતી કે, નહેરૂનગર શેરી નંબર- 4 માં આવેલા ’ઉત્તમ ઇન્ડસ્ટ્રીઝ’ નામના કારખાનામાં કેટલાક શખસો એકઠા થઈને ગેરકાયદેસર રીતે દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતમીના પગલે પોલીસે જરાપણ સમય ગુમાવ્યા વિના ઉત્તમ ઇન્ડસ્ટ્રીઝના પરિસરમાં દરોડો પાડ્યો હતો. પોલીસ જ્યારે કારખાનાની ઓફિસમાં પ્રવેશી ત્યારે ત્યાં ત્રણ શખસો નશાની હાલતમાં શરાબની મહેફિલ માણતા હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તાત્કાલિક ત્રણેયની અટકાયત કરીને પૂછતાછ કરતા તેમના નામ મેહુલ કાંતિભાઈ ઠેશીયા (ઉ.વ. 35, રહે. ભવનાથ પાર્ક-2, શેરી નંબર-12, હરિધવા રોડ), અંકિત તુલસીભાઈ રૂપારેલીયા (ઉ.વ. 35, રહે. લાલપાર્ક સોસાયટી, શેરી નંબર- 1, બોલબાલા રોડ) અને જીગ્નેશ છગનભાઈ તોગડીયા (ઉ.વ. 43, રહે. શિવ શ્રદ્ધા પાર્ક, શેરી નંબર-1, લાલ પાર્ક મેઇન રોડ) હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ઉત્તમ ઇન્ડસ્ટ્રીઝ નામનું આ કારખાનું પકડાયેલા આરોપી મેહુલ ઠેશીયાનું જ છે, જ્યારે બાકીના બંને શખસો તેના વેપારી મિત્રો છે જેઓ ખાસ અહીં દારૂ પીવા માટે એકઠા થયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી દારૂની એક અડધી ખુલ્લી બોટલ તથા ત્રણ નંગ સીલપેક બોટલ મળી કુલ 4 બોટલ વિદેશી દારૂ તેમજ બાઈટિંગ (ખાણી-પીણીની સામગ્રી) સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ત્રણેય નશાખોર મિત્રો સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. આ હાઇપ્રોફાઇલ મહેફિલ માટે દારૂનો આ જથ્થો કોની પાસેથી મેળવવામાં આવ્યો હતો અને આ નેટવર્ક પાછળ અન્ય કયા બુટલેગરો સંડોવાયેલા છે, તે દિશામાં ભક્તિનગર પોલીસે ઊંડાણપૂર્વકની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
