ગોંડલમાં ધોધમાર સવા બે ઇંચ વરસાદ, ગરનાળામાં પાણી ભરાયા, વૃક્ષો ધરાશાઇ

કોટડા સાંગાણીમાં ર0 મી.મી., જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલામાં ધીમીધારે ખાબકયો

ગીરગઢડાના સનખડામાં નંદીનું મોત, બેડીયામાં વૃક્ષો ધરાશાઇ: એક ઇંચથી વાતાવરણમાં ઠંડક

મહારાષ્ટ્રથી ચોમાસુ આગળ વધતા ગુજરાતમાં બે દિવસમાં પહોંચશે તે પહેલા જ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની એન્ટ્રી થઇ ગઇ છે. આજે રાજકોટ જિલ્લાના ગોંડલમાં ધોધમાર સવા બે ઇંચ, કોટડા સાંગાણીના ગ્રામ્ય વિસ્તારો, અમરેલીના જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા અને ગીર સોમનાથ જિલ્લાના ઉના, ગીરગઢડામાં વિજળીના કડાકા ભડાકા સાથે ખાબકયો હતો.
રાજકોટ
ગોંડલમાં દિવસભરનાં અસહ્ય બફારા અને વાદળીયા આકાશી માહોલ વચ્ચે સાંજે પાંચ કલાકે વિજળીનાં કડાકા ભડાકા અને ભારે પવન ફુંકાવા સાથે તોફાની વરસાદ ત્રાટકતા દોઢ કલાક માં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો.વરસાદ ને કારણે રાજમાર્ગોપર પાણી ફરી વળ્યાં હતાં. અને કેટલાક નિચાણવાળા માર્ગો અને વિસ્તારમાં પાણી ભરાયા હતા.
શહેરનાં ઉમવાડા આશાપુરા અંડરબ્રીજ તથા રાતાનાલામાં પાણી ભરાતા ટ્રાફિક પ્રભાવીત થયો હતો. ઉમવાડા અંડરબ્રીજમાં એસટી બસ ફસાતા લોકોએ ધક્કા મારી બસને પાણી બહાર કાઢી હતી.
વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હોય ખટારાસ્ટેન્ડ, પોસ્ટઓફીસ બિલ્ડીંગ સહિત કેટલાક વિસ્તારમાં વૃક્ષો ધરાશઇ થયા હતાં. કેટલાક દિવસોથી આકરા તાપમાન અને અસહ્ય બફારા સાથે કાગ ડાળે વરસાદની રાહ જોતા શહેરીજનોનાં હૈયે ધોધમાર વરસાદથી ટાઢક વળી હતી. તાલુકાનાં ગુંદાળા,અનિડા,ભુણાવા,બિલીયાળા સહિત શ્રીકાર વરસાદ વરસ્યો છે.
કોટડા સાંગાણી શહેરમાં માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં 20 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે રોડ-રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. લાંબા સમયના ઉકળાટ બાદ પડેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં નગરજનોએ હાશકારો અનુભવ્યો છે અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે.
અમરેલી
અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. આજે જાફરાબાદ તાલુકાના ટીંબી, હેમાળ, માણસા, દુધાળા, નાગેશ્રી સહિત આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો હતો.ખાંભા તાલુકાના ડેડાણ, ખડાધાર, શ્યામગઢ, ત્રાકુડા સહિત આસપાસના ગામોમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
સાવરકુંડલા શહેરમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જોકે વરસાદ લાંબા સમય સુધી ચાલુ રહ્યો ન હતો અને માત્ર હળવા ઝાપટાં જ નોંધાયા હતા.
ગીર સોમનાથ
ગીર ગઢડા પંથકમાં પવન સાથે ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી ગયેલ અને ખેતરો માંથી પાણી બહાર નીકળી ગયા હતા ગીર ગઢડા પંથક ના ધોકડવા,નીતલી,જસાધાર, બેડીયા, સહિત ના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી ગયેલ વ્યાપક વરસાદના પગલે ખેડૂતોના ચહેરા પણ હરખાઈ ગયા હતા તે સીવાય ઉના શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે અમી છાંટણાં વરસ્યા હતા પરંતુ તાલુકાના સનખડા,ગાંગડા, પશવાળા, સામતેર નાંદરખ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી ગયેલ અને ખેતરોમાંથી પાણી વહેતા થઈ ગયા હતા કાગડોળે વરસાદની રાહ જોતા ખેડૂતો પણ વરસાદના આગમનને વધાવ્યું હતું અને વાવણી કાર્યની તૈયારી કરવા લાગ્યા હતા જ્યારે બન્ને તાલુકામાં બપોર બાદ વરસાદી વાતાવરણ જોવા મળતું હતું અને સમયસર વરસાદ થી લોકો એ પણ રાહતની લાગણી અનુભવી હતી ગીરગઢડામાં બેડીયામાં વૃક્ષ ધરાશાઇ થયું હતું. જયારે સનખડામાં વીજશોકથી નંદીનું મોત નિપજયું હતું.

રિલેટેડ ન્યૂઝ