જસદણની ગેબનશા સોસાયટીમાં પાણીની ટાંકીમાંથી પિતા અને પુત્રીના મૃતદેહ મળ્યા

ઘરની છતમાં રાખેલ 1000 લીટરની ક્ષમતાની ટાંકીમાંથી મળેલ લાશ અંગે હત્યાની આશંકા: ભાગી ગયેલી પત્નિના પ્રેમીએ યુવાનને ધમકી આપી’તી

જસદણના ગેબનશા સોસાયટી વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં રહેતા 32 વર્ષીય યુવાન ફૈઝાન આરીફભાઈ પરિયાણી અને તેમની અઢી વર્ષની માસૂમ પુત્રી ફાતેમાના મૃતદેહ તેમના જ ઘરની અગાશી પર આવેલી 1000 લીટરની પાણીની ટાંકીમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે. એકસાથે પિતા-પુત્રીના મોતથી પરિયાણી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, તો બીજી તરફ મૃતકની માતાએ આ સમગ્ર મામલે ગંભીર આક્ષેપો કરી બનાવ હત્યાનો હોવાનો આક્ષેપ કરતા ઘટનાએ મોટો વળાંક લીધો છે. આ રહસ્યમય બનાવના તાર પ્રેમ પ્રકરણ અને ધમકી સાથે જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. મળતી વિગતો અનુસાર જસદણના ગેબનશા સોસાયટી વિસ્તારમાં રહેતા મૃતક ફૈઝાન પરિયાણીની પત્ની ફરીદાને છેલ્લા ત્રણ વર્ષથી પોતાની જ જ્ઞાતિના મેમણ યુવાન લાલ ખીમાણી સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધ એટલી હદે આગળ વધી ગયો હતો કે, આશરે એક સપ્તાહ પૂર્વે ફરીદા પોતાના પતિ અને અઢી વર્ષની પુત્રીને પતિ પાસે તરછોડીને પ્રેમી લાલા સાથે ભાગી ગઈ હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, ફરીદા પોતાની માસૂમ પુત્રી ફાતેમાને પતિ ફૈઝાન પાસે જ મૂકીને પ્રેમી સાથે ભાગી ગયા બાદ ફૈઝાન ભારે આઘાતમાં હતો. આ દરમિયાન ફરીદાના પ્રેમી લાલા ખીમાણીએ ફૈઝાનને ફોન કરીને ગંભીર ધમકી આપી હતી. લાલાએ ફોન પર એવો દાવો કર્યો હતો કે અઢી વર્ષની ફાતેમા તેના પ્રેમની નિશાની છે, તેથી તેને સોંપી દેવામાં આવે, નહિતર તેના પરિણામો ભોગવવા પડશે. આ ધમકીના ગણતરીના દિવસોમાં જ પિતા- પુત્રીના શંકાસ્પદ મોત થતા અનેક સવાલો ઊભા થયા છે. આ બનાવને પગલે મૃતક ફૈઝાનની માતા હસીનાબેને મીડિયા અને પોલીસ સમક્ષ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ આત્મહત્યા કે અકસ્માતનો મામલો નથી, પરંતુ તેમના પુત્ર અને પૌત્રીની નિર્મમ હત્યા કરવામાં આવી છે. પત્નીના ગુમ થયા બાદ અને પ્રેમી લાલા ખીમાણી દ્વારા આપવામાં આવેલી ધમકીઓ બાદ જ આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ હસીનાબેને કર્યો છે, જેને પગલે સ્થાનીય સ્તરે ભારે સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.પી. ગોસાઈ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ગેબનશા સોસાયટી ખાતે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને પિતા- પુત્રીના મૃતદેહોને પાણીની ટાંકીમાંથી બહાર કઢાવ્યા હતા. મામલાની ગંભીરતા સ્થિતિને ધ્યાનમાં રાખીને, પોલીસે બંને મૃતદેહોને પેનલ પીએમ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સાચા કારણો પરથી પડદો ઊંચકાશે. હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી, પ્રેમ પ્રકરણ, ધમકીના કોલ ડિટેઈલ્સ અને માતાના આક્ષેપો સહિતના તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ શરૂૂ કરી છે. લાલ ખીમાણીની ભૂમિકા અંગે પણ પોલીસ ઉંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ