આપણી પાસે જેટલી સગવડતા ઉપલબ્ધ હોય, તેનો સહર્ષ સ્વીકાર કરીને આગળ વધવું જોઈએ : મંત્રી કુંવરજીભાઈ

અમરાપુર શૈક્ષણિક સંસ્થા ખાતે ‘આત્મહત્યા નિવારણ અભિગમ’ કાર્યક્રમ

‘પ્રેરણા’ ટીમ દ્વારા અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના કાઉન્સેલિંગ: પોલીસ વડા વિજયસિંહ ગુર્જર

યુવાનોમાં માનસિક મજબૂતી વધારવા અને આત્મહત્યા અને નશાકારક પદાર્થોનું સેવન જેવા ગુનાઓ અટકાવવાના ઉમદા હેતુસર રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરી દ્વારા ’પ્રેરણા – નવા જીવનની’ સામાજિક-મનોવૈજ્ઞાનિક પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં વિંછીયા તાલુકાની અમરાપુર શૈક્ષણિક સંસ્થા ખાતે ધો. 11-12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ’આત્મહત્યા નિવારણ અભિગમ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને આત્મહત્યા અટકાવવા ઉપરાંત ડ્રગ્સના દૂષણ અને સાયબર ક્રાઇમ જેવા ગંભીર વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, જીવનમાં સકારાત્મક દ્રષ્ટિકોણ અને સતત પ્રયત્નો થકી સફળતા પ્રાપ્ત કરી શકાય છે, આપણી પાસે જેટલી સગવડતા ઉપલબ્ધ હોય, તેનો સહર્ષ સ્વીકાર કરીને આગળ વધવું જોઈએ. જીવનમાં ક્યારેય નિરાશ થવાને બદલે વધારે મહેનત કરીને આગળ વધવાનો સંકલ્પ રાખવો જોઈએ. યુવાનોને ભવિષ્યના જવાબદાર નાગરિક બનવા આહ્વાન કરતાં તેમણે ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીકાળ જીવન ઘડતર માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. અભ્યાસની સાથે સાહિત્ય, મહાનુભાવોના જીવન ચરિત્રો અને પ્રેરણાદાયી પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. તેનાથી જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ મળે છે. વિદ્યાર્થીઓ પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્રના શ્રેષ્ઠ નાગરિક બનીને ઉત્કૃષ્ટ પ્રદાન આપે તે માટે તેમણે શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ઓનલાઇન નાણાં કમાવાની લાલચ, સોશિયલ મીડિયાનો અતિરેક, સંબંધોમાં સ્પષ્ટતાનો અભાવ, નશાખોરી અને ડિપ્રેશન જેવા નાણાકીય કે માનસિક કારણોસર યુવાનો અંતિમ પગલું ભરતા હોય છે. જીવનમાં ગમે તેવી મોટી તકલીફ આવે તો પણ આત્મહત્યા એ ક્યારેય તેનો ઉકેલ નથી. જ્યારે પણ મનમાં નકારાત્મક વિચારો આવે ત્યારે એકલા ન રહેતા કોઈ વ્યક્તિને વાત શેર કરવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પોલીસની ‘પ્રેરણા’ ટીમે અત્યાર સુધીમાં અંદાજે 800થી વધુ લોકોના કાઉન્સેલિંગનું સરાહનીય કાર્ય કર્યું છે. તેમજ તેમણે ‘પ્રેરણા’ પ્રોજેક્ટની ટીમ લોકોને માનસિક તણાવમાંથી બહાર લાવવા અને યોગ્ય મદદ પૂરી પાડવા માટે કટિબદ્ધ હોવાની ખાતરી આપી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડો. યોગેશ જોગસણે જણાવ્યું હતું કે, ફિલ્મોમાં દર્શાવાતી કાલ્પનિક વાર્તાઓ કરતાં પણ વધુ સારી કામગીરી વાસ્તવિકતામાં આપણું પોલીસ તંત્ર કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, દરેક માણસનો સ્વભાવ અને પ્રકૃતિ જુદી જુદી હોય છે, છતાં તે માણસાઈના દાયરામાં રહે, તે માટે મનોવૈજ્ઞાનિક જાગૃતિ અત્યંત જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ