રાજકોટ જિલ્લાના સરપદડમાં “આપણી આંગણવાડી આપણી જવાબદારી થીમ સાથે ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી

સમગ્ર દેશ સાથે રાજકોટ જિલ્લામાં પણ તા. 09 સપ્ટેમ્બરથી તા. 08 ઓક્ટોબર સુધી પોષણ માહની ઉજવણીનો પ્રારંભ થયો છે. પોષણ સૂચકાંકોમાં સુધારો કરવા માટે દેશભરમાં પોષણ-કેન્દ્રિત સંવેદનશીલતા વધારવા ’આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ સાથે એક માસ સુધી આ જન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જે અંતર્ગત પડધરી તાલુકાના સરપદડ ગામમાં આંગણવાડી કેન્દ્ર નંબર 05 ખાતે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદની વિશેષ ઉપસ્થિતિમાં પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણ અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે પૌષ્ટિક વાનગી સ્પર્ધા તેમજ વાનગી નિદર્શનનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ આંગણવાડીની ઉત્કૃષ્ટ કામગીરી તેમજ સ્થાનિક મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી પૌષ્ટિક વાનગીઓને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પોષણ માસ દરમિયાન આંગણવાડીમાં આહારની વિવિધતા અને પર્યાપ્ત પ્રોટીન, બાળકોને તાજું અને ગરમ રાંધેલું પૌષ્ટિક ભોજન પૂરું પાડવું, પોષણ અભિયાનમાં સમાજની સક્રિય ભાગીદારી તથા જવાબદારી સુનિશ્ચિત કરવી, બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે યોગ્ય પોષણ આપવું તેમજ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત માતાના સ્વાસ્થ્ય માટે પ્રોત્સાહન સહિતના વિવિધ વિષયો પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

રિલેટેડ ન્યૂઝ