બેઠક યોજી માર્ગદર્શન અપાયું ગ્રામહાટના લોકાર્પણ અંગે મુલાકાત લેતા કેબીનેટ મંત્રી

આગામી તા. 10 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગ્રામ વિકાસ વિભાગ હેઠળ સખીમંડળો દ્વારા સંચાલિત રાજ્યના 136 ગ્રામહાટનું લોકાર્પણ તેમજ મહિલાલક્ષી વિવિધ યોજનાઓનો શુભારંભ કરવામાં આવશે.
ઉક્ત કાર્યક્રમના સુચારૂ આયોજન અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે આજે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને રાજકોટ કલેકટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રીએ મુખ્યમંત્રીના રાજકોટ પ્રવાસને અનુલક્ષીને કાર્યક્રમની વિવિધ વ્યવસ્થાઓ અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
બેઠક દરમિયાન મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળે બેઠક વ્યવસ્થા, ટ્રાફિક અને પાર્કિંગ, સુરક્ષા, પીવાનું પાણી, સ્વચ્છતા સહિતની આનુષંગિક વ્યવસ્થાઓ અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવી સમયબદ્ધ રીતે કામગીરી પૂર્ણ કરવા મંત્રીએ સૌને માર્ગદર્શન આપ્યું હતું.
બેઠક પૂર્વે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશ સહિત સંબંધિત અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓ તથા જરૂરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી સુચારૂ આયોજન માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ