જમીન નોંધણી, વારસાઇ નોંધ, આવક અને જાતિના દાખલા મેળવવાની સેવાઓ ઠપ્પ: અરજદારો પરેશાન
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું છે. વર્ગ 3 ના 8,000 થી 10,000 જેટલા કર્મચારીઓ કામકાજથી અળગા રહેતાં સરકારી કચેરીઓ સુમસામ બની ગઈ છે. 14 જેટલી પડતર માંગણીઓને લઈને આંદોલન છેડાયું છે. જેના પરિણામે જમીન નોંધણી, વારસાઈ નોંધ, ઈ-ધરા કેન્દ્ર અને આવક તેમજ જાતિના દાખલા મેળવવાની સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે અને અરજદારો ભારે હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. રાજકોટ સહિત તમામ જિલ્લા મથકોએ આજે મહેસુલી કર્મચારીઓએ પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
સરકારી તંત્રના અત્યંત મહત્વના અંગ ગણાતા મહેસૂલ વિભાગના કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી દીધી છે. કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને ઘણા સમયથી અવાજ ઉઠાવી રહ્યા હતા. યોગ્ય ઉકેલ ન મળતાં આખરે તેમણે કચેરીઓમાં કામકાજ બંધ રાખીને લડત આપવાનો નિર્ણય લીધો છે. રાજકોટ કલેક્ટર કચેરી તેમજ તાલુકા કચેરીઓમાં સવારથી જ હડતાળની વ્યાપક અસર જોવા મળી રહી છે.
આ હડતાળમાં સમગ્ર રાજ્યમાંથી વર્ગ 3 ના આશરે 8,000 થી 10,000 જેટલા મહેસૂલી કર્મચારીઓ જોડાયા છે. જેમાં રેવન્યુ ક્લાર્ક, નાયબ મામલતદાર અને મહેસૂલી તલાટીઓ કામથી અળગા રહ્યા છે. આ અગાઉ 5 ઓક્ટોબરના રોજ રાજ્યના અંદાજે 30,000 જેટલા કર્મચારીઓએ સામૂહિક રજા એટલે કે માસ સી.એલ.પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો.
સરકારે આ વિરોધ પછી પણ સંતોષકારક નિરાકરણ ન લાવતાં આખરે કર્મચારીઓએ અચોક્કસ મુદત સુધી પેન ડાઉન કરવાનો માર્ગ અપનાવ્યો છે. મહેસુલી કર્મચારીઓ કુલ 14 જેટલા પડતર પ્રશ્ર્નોના કાયમી ઉકેલ માટે આ લડત લડી રહ્યા છે. તેમની મુખ્ય માંગણીઓમાં સમયસર બદલી અને બઢતી આપવાની વાત સામેલ છે. વર્ષોથી ચાલતી ફિક્સ પે પ્રથા નાબૂદ કરવાની લોકલાગણી પણ આ આંદોલનનો મહત્વનો હિસ્સો છે. કર્મચારીઓ સિનિયોરિટી યાદી તાત્કાલિક ફાઇનલ કરવાની માંગ કરી રહ્યા છે. મહેસૂલ તલાટીઓના જોબ ચાર્ટમાંથી અન્ય વિભાગોની વધારાની કામગીરી દૂર કરવાની પણ રજૂઆત છે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે લેખિત ખાતરી વિના આંદોલન સમેટાશે નહીં. નોંધનીય છે કે, અગાઉ સોમવારના રોજ રાજ્યના અંદાજે 30,000 જેટલા કર્મચારીઓ માસ સીએલ (સામૂહિક રજા) પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતા
