ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં અને તેઓને વિષ્ણુનાં અવતાર કહેતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ડ’ પર બે પાનાનો પત્ર શેર કર્યો છે. આ પત્રમાં તેમણે પીએમ મોદી સાથે થયેલી મુલાકાતો, પોતાનાં અનુભવો અને તેમનાં પ્રતિ પોતાનાં વિચારો વ્યક્ત કર્યા છે.
સોશિયલ મીડિયા પર શેર કરેલાં બે પાનાના પત્રમાં 2019ની મુલાકાતની યાદો વાગોળી; મોદીને પોતાનાં મોટા ભાઈ સમાન ગણાવ્યાં
તેમણે 27 જુલાઈ 2019ના રોજ નવી દિલ્હીમાં પીએમ મોદી સાથે થયેલી એક ખાસ મુલાકાતને યાદ કરતાં જણાવ્યું હતું કે, તે સમયે ભૂટાનની ચૂંટણીમાં તેમની પાર્ટીની હાર થઈ હતી અને તેઓ સંસદમાં પણ નહોતાં. એક સામાન્ય નાગરિક તરીકે મુલાકાત લેવા છતાં પીએમ મોદીએ તેમને હંમેશાં નાના ભાઈ જેવો પ્રેમ અને સ્નેહ આપ્યો હતો, જેથી તેઓ પીએમ મોદીને પોતાનાં મોટા ભાઈ માને છે. પત્રમાં તોબગેએ જણાવ્યું છે કે પીએમ મોદી તેમને એક પ્રબુદ્ધ શાસક જેવા લાગે છે અને તેઓ તેમને વિષ્ણુનાં અવતાર તરીકે જુએ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ ભાવનાઓમાં વહીને કહેવાયેલી વાત નહોતી, પરંતુ વિચાર-વિમર્શ બાદ સ્વીકારેલું સત્ય હતું. તોબગેના જણાવ્યાં મુજબ, તેમણે નરેન્દ્ર મોદીને 13 વર્ષ સુધી ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે શાસન કરતાં જોયા હતાં, જ્યાં તેમણે રાજ્યને વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણનું એક મોડેલ બનાવ્યું હતું. ત્યારબાદ તેમણે એ જ વિઝન, શિસ્ત, ઉર્જા અને અથાક મહેનત સાથે ભારત દેશમાં મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી, નાણાકીય સમાવેશ અને સ્વચ્છતા ક્ષેત્રે ક્રાંતિ લાવતા જોયાં છે.
