ઘરવાળીએ પોલીસ ફરીયાદ નોંધાવી
ધ્રાંગધ્રા શહેરમાં ઓનલાઈન કેસીનો ગેમની લતમાં પતિએ પત્નીના રૂ.15.93 લાખના સોનાના દાગીના વેચી દીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પત્નીએ પતિ વિરૂદ્ધ ધ્રાંગધ્રા સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે.
મોબાઇલમાં ઓનલાઇન ગેમના રવાડે અનેક યુવાનો બરબાદ થઈ ગયાના બનાવ બન્યા છે. ત્યારે ધ્રાંગધ્રામાં આ પ્રકારનો બનાવ બહાર આવ્યો હતો. જેમા ધ્રાંગધ્રાની સાઈ દર્શન સોસાયટીમાં રહેતા મુસ્કાનબેનના લગ્ન 2024માં હૈદરખાન મલેક સાથે થયા હતા. લગ્ન સમયે તેમના પિતાએ તેમને સ્ત્રીધનમાં 210.720 ગ્રામ સોનાના દાગીના આપ્યા હતા.
જે તેમણે સાસરીમાં રાખ્યા હતા. થોડા દિવસો પૂર્વે મુસ્કાનબેનને ઘરની છત પરથી તેમના દાગીનાના ખાલી બોક્સ મળી આવ્યા હતા. આ અંગે તેમણે પતિ હૈદરખાનને પૂછપરછ કરી હતી.
પૂછપરછમાં પતિ હૈદરખાને કબૂલ્યું હતું કે તેણે ઓનલાઈન કેસીનો ગેમ રમવા માટે આ દાગીના સોના પર ફાઇનાન્સ કરતી બેંકમાં ગીરવે મૂક્યા હતા. બાદમાં તેણે મિત્ર પાસેથી પૈસા લઈને સોનું બેંકમાંથી છોડાવ્યું હતું. ત્યારબાદ રૂ. 15.93 લાખમાં વેચી દીધું હતું.
આ હકીકત જાણ્યા બાદ પત્ની મુસ્કાનબેને દ્વારા પતિ હૈદરખાન મલેક સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સીટી પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
