હનીટ્રેપમાં ફસાવી 10 લાખ પડાવ્યા અંગે 10 શખ્સો સામે ગુન્હો નોંધાયો
વઢવાણના ખોડુ ગામના કૂવામાંથી 34 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો હતો. આત્મહત્યા નહીં પણ હત્યાના આક્ષેપ થયા હતા. આ બનાવમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતકને હનીટ્રેપમાં ફસાવી તેમનો વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરીને રૂ.10 લાખ પડાવી લેવાયા હોવાનું સામે આવતા 10 શખ્સો સામે ગુનો નોંધાયો છે.મૂળ મુળીના સડલા ગામે રહેતા જશુબેન બોચીયાએ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના ભાઈ રમેશભાઈ પારઘી દાણાવાડા ગામે એકલા રહેતા હતા. છેલ્લા એકાદ વર્ષથી આરોપીઓએ ભેગા મળીને રમેશભાઈને કોઈ યુવતીના માધ્યમથી હનીટ્રેપમાં ફસાવ્યા હતા અને તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો વાયરલ થતાં અને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ કટકે-કટકે રમેશભાઈ પાસેથી રૂ.10 લાખ પડાવી લીધા હતા. મૃતક રમેશભાઈએ આરોપી દેવજીભાઈ કાળાભાઈ ઝાલાને ખાતર ખરીદવા નાણાં આપ્યા હતા. તો જેરામભાઈ દલપતભાઈ સિંઘવને પણ નાણાં ઉધાર આપ્યા હતા. હનીટ્રેપ અને નાણાં ડૂબી જતાં ત્રાસથી કંટાળી રમેશભાઈએ કૂવામાં કૂદી જીવન ટૂંકાવ્યું હતું. આ કેસમાં મૃતકે પોલીસ કર્મચારીઓ સામે પણ વીડિયોમાં નામ લીધા હતા. પરંતુ તપાસમાં બહાર આવ્યું કે, આરોપીઓએ મૃતક સામે એક અરજી કરી હોય જે બાબતે પોલીસ કર્મચારીઓએ કાર્યવાહી કરી હોવાથી મૃતકે આક્ષેપ કર્યા હતા. આ દુષ્પ્રેરણની ફરિયાદ દેવજીભાઈ કાળાભાઈ ઝાલા રહે. રામપરા, લાલજીભાઈ દેવજીભાઈ ઝાલા રહે. રામપરા, પિન્ટુભાઈ લાલજીભાઈ ઝાલા રહે. રામપરા, કનાભાઈ બાલજીભાઈ ઝાલા રહે. રામપરા, જેરામભાઈ દલપતભાઈ સિંઘવ રહે. ધોળી, તા. ધ્રાંગધ્રા, સુરેશભાઈ જેરામભાઈ સિંઘવ રહે. ધોળી, ભીખાભાઈ દલપતભાઈ સિંઘવ રહે. ધોળી અને ગણપતભાઈ દલપતભાઈ સિંઘવ રહે. ધોળી ઉપરાંત બે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ થયો છે.
