લીંબડીમાં જ્વેલર્સના મકાનમાંથી 600 ગ્રામ સોનાના બિસ્કીટ ચોરાયા

લીંબડી શહેરના રાજકવિ ચોક ખાતે આવેલા અંબિકા જ્વેલર્સના માલિક હસમુખલાલ ઉર્ફે હર્ષદભાઈ ડાયાભાઈ આદેસરાના ઘરેથી 600 ગ્રામ સોનાના બિસ્કિટ ચોરાયા છે. આ સોનાની કિંમત આશરે 36 લાખ છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, હસમુખલાલભાઈએ વર્ષ 2021માં અંબાજી દર્શન માટે જતાં પહેલાં 100-100 ગ્રામના 6 સોનાના બિસ્કિટ ઘરના બીજા માળે આવેલા માળિયામાં એક પાકીટમાં સંતાડ્યા હતા. આ પછી પરિવાર અમદાવાદ સહિત અન્ય સ્થળોએ અવરજવર કરતો રહ્યો. આ સમયગાળા દરમિયાન, ઘરમાં એક નવી મહિલાને ઘરકામ માટે રાખવામાં આવી હતી અને ઘરની સંપૂર્ણ સફાઈ પણ કરાવાઈ હતી. થોડા સમય પછી જ્યારે હસમુખલાલભાઈએ માળિયામાં તપાસ કરી, ત્યારે પાકીટ સહિત તમામ 6 સોનાના બિસ્કિટ ગાયબ મળ્યા. પરિવારના સભ્યોની તબિયત ખરાબ રહેતી હોવાથી, ઓપરેશન અને સારવાર જેવી પરિસ્થિતિઓને કારણે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવાઈ નહોતી.
ફરિયાદમાં ઘરકામ કરતી મહિલા પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, મહિલાએ સોનાના બિસ્કિટ વિશે કોઈ જાણકારી હોવાનો ઇનકાર કર્યો છે. આખરે, કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસીને ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ