ઇરાનમાં આંદૃોલન બળવામાં ફેરવાયુ: હિંસક તોફાનો

પાટનગર તહેરાનને ઘેરી લેતા આંદૃોલનકારીઓ: પોલીસ કર્મચારીની ચાકુ મારી હત્યા કરાઈ

ઇરાનમાં એકાદ પખવાડિયાથી મોંઘવારી-નબળા ચલણ સામે ચાલતો વિરોધ હવે વિદ્રોહમાં ફેરવાયો હોય તેમ સમગ્ર દેશમાં હિંસક તોફાનો ફરી વળ્યા છે. આંદોલનકારીઓએ પાટનગર તહેરાનને પણ ઘેરી લીધું છે. ફફડેલી સરકારે એરસ્પેસ તથા ઇન્ટરનેટ બંધ કરી દીધા છે. તોફાનોનો મૃત્યુઆંક 45 પર પહોંચ્યો છે.
ઈરાનમાં આર્થિક સંકટ સામે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો હવે સરકાર વિરોધી વિદ્રોહમાં ફેરવાઈ ગયા છે. રાજધાની તેહરાન સહિત મશહદ અને ઈસ્ફહાન જેવા મોટા શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સુરક્ષાદળો સાથે અથડામણના અહેવાલો પરિસ્થિતિ વણસતી જોઈને, ખામૈની શાસને દેશવ્યાપી ઈન્ટરનેટ બ્લેકઆઉટ કરી દીધું છે અને સમગ્ર દેશનું એરસ્પેસ પણ બંધ કરી દીધું છે.
રાજધાની તેહરાન સહિત સમગ્ર દેશમાં સત્તા વિરોધી આંદોલન મોટા પાયે ફેલાઈ ગયું છે. ‘આ અંતિમ લડાઈ છે’ જેવા નારાઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં, પ્રદર્શનકારીઓ ઐતિહાસિક ‘લાયન એન્ડ સન’ ધ્વજ લહેરાવતા જોવા મળે છે, જેને ઈરાનમાં રાજાશાહીના પ્રતીક તરીકે જોવામાં આવે છે. ઘણા શહેરોમાં ઈરાનના પૂર્વ શાહના પુત્ર રેઝા પહલવીના સમર્થનમાં ‘પહલવી પાછા આવશે’ અને ‘શાહ અમર રહો’ જેવા નારાઓ પણ લગાવવામાં આવી રહ્યા છે.
પ્રદર્શનો જે ઝડપથી વધી રહ્યા છે, તેનાથી ખામૈની શાસન સ્પષ્ટપણે ગભરાયેલું દેખાઈ રહ્યું છે. પરિસ્થિતિ હાથમાંથી સરકતી જોઈને, સરકારે આકરા સુરક્ષા પગલાં લીધા છે. સમગ્ર દેશનું એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે. તેહરાનનું મુખ્ય એરપોર્ટ પણ ઠપ કરી દેવાયું છે. સમગ્ર દેશમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ખામૈની શાસને દેશભરમાં એર ડિફેન્સ સિસ્ટમ પણ સક્રિય કરી દીધી છે. આ પગલાં દર્શાવે છે કે સત્તાને ડર છે કે જો પરિસ્થિતિ વધુ વણસશે તો તે કાબૂ બહાર જઈ શકે છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે, “જો પ્રદર્શનકારીઓની હત્યા કરવામાં આવશે તો અમેરિકા આકરો જવાબ આપશે. કોઈનો પણ અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો અમે છોડીશું નહીં.
અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સે કહ્યું છે કે અમેરિકા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની સાથે ઉભું છે અને ઈરાને પરમાણુ મુદ્દે વાતચીત કરવી જોઈએ.
આ વિરોધ પ્રદર્શનોની શરૂઆત ગયા મહિને તેહરાનના ગ્રાન્ડ બઝારથી થઈ હતી, જ્યાં વેપારીઓએ ઈરાની ચલણ રિયાલના તીવ્ર ઘટાડા અને વધતી મોંઘવારી સામે અવાજ ઉઠાવ્યો હતો. જોતજોતામાં આ વિરોધ બેરોજગારી, વસ્તુઓની અછત અને પશ્ચિમી પ્રતિબંધોને કારણે સર્જાયેલા વ્યાપક આર્થિક સંકટ સામેના જનઆક્રોશમાં ફેરવાઈ ગયો.

રિલેટેડ ન્યૂઝ