હાજર ચાંદીમાં 13000 તથા કોમોડીટી એક્સચેંજમાં ભાવ 20000 ગગડ્યો: સોનામાં 4000નું ગાબડું: માર્કેટમાં જબરી ઉથલપાથલ
સોના-ચાંદીના ભાવોમાં અસામાન્ય વધારા અને શેરબજારમાં કડાકા બાદ આજે વલણ પલ્ટાયું હતું અને સોના-ચાંદીમાં ગાબડા પડવાની સાથે શેરબજારમાં તેજી થઇ હતી. સોનામાં 4000 તથા ચાંદીમાં 13000નું ગાબડુ હતું. શેરબજારમાં 800થી વધુ પોઇન્ટની તેજી બાદ આંશિક ઘટાડો હતો.
વૈશ્ર્વિક ઘટનાક્રમો વચ્ચે દુનિયાભરના નાણાં બજારોમાં ઉથલપાથલનો દૌર ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીમાં અભૂતપૂર્વ તેજી હતી. યુધ્ધ ટેરિફ જેવા કારણો પ્રભાવિત કરી રહ્યા હતા પરંતુ ટેરીફ અને યુધ્ધના મામલે અમેરિકાના પ્રમુખ ઢીલા પડતા ગભરાટ દુર થયો હતો અને માર્કેટમાં રાહતની લાગણી છવાઇ હતી. ગ્રીનલેન્ડ પર સૈન્ય કાર્યવાહી કરીને કબજો લેવામાં નહીં આવે તેવું ટ્રમ્પે જાહેર કર્યું હતું. ઉપરાંત યુરોપીયન યુનિયન પર વધારાના ટેરીફ નાખવાની ધમકી પણ પાછી ખેંચી લીધી હતી. આ બંને કારણોએ માર્કેટનું માનસ બદલાવી નાખ્યું હતું. સોના-ચાંદીમાં ગાબડા પડ્યા હતા અને શેરબજારમાં તેજી થઇ હતી.
રાજકોટમાં હાજર ચાંદી 311200 સાંપડી હતી ગઇકાલની સરખામણીએ 13000 રુપિયાનો ઘટાડો હતો. કોમોટીડી એક્સચેંજમાં ચાંદીનો ભાવ 314852 સાંપડ્યો હતો તેમાં જો કે ગઇકાલની સરખામણીએ 20 હજાર જેટલો ભાવ ઘટાડો થયો હતો. મહત્વની વાત એ છે કે આજે ભાવ નીચામાં 305753 સુધી બોલાયો હતો. આમ ભાવમાં મોટી ઉથલપાથલનો દૌર જોવા મળ્યો હતો. વિશ્ર્વ બજારમાં ચાંદીનો ભાવ ઘટીને 94.13 ડોલર થયો હતો.
હાજર સોનુ ચાર હજાર રૂપિયાના ઘટાડાથી 156300 હતું. વિશ્ર્વ બજારમાં ભાવ 4830 ડોલર હતો જ્યારે કોમોડીટી એક્સચેંજમાં તે 151635 સાંપડ્યો હતો. વેપારીઓના કહેવા પ્રમાણે વૈશ્ર્વિક ઘટનાક્રમો કેવા વળાંક લે છે તેના પર આવતા દિવસોમાં વધઘટનો આધાર છે.
બીજી તરફ શેરબજારમાં ગભરાટ હળવો થવા સાથે તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. ટેરીફ અને યુદ્ધ મામલે ટ્રમ્પ હળવા પડ્યા હોવાથી અમેરિકા સહિત વિશ્ર્વ બજારોમાં તેજી થતાં ઘરઆંગણે પણ ઉછાળો નોંધાયો હતો. શરુઆત જ તેજીના ટોને થઇ હતી. જો કે બપોરે નફારૂપી વેચવાલીથી દિવસનું ટોચનું લેવલ જળવાઇ શક્યું ન હતું.
શેરબજારમાં આજે બેંક ઓફ ઇન્ડિયા, ડો.રેડ્ડી, વારી, વોડાફોન, યશ બેંક, સુઝલોન, સેઇલ, ફેડરેલ બેંક જેવા શેરોમાં ઉછાળો હતો. પીએનબી હાઉસીંગ, કલ્યાણ જ્વેલર્સ, લોધા ડેવલપર્સ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક જેવા શેરો નબળા હતા. એનએસઇમાં 2169 શેરોમાં સુધારો હતો ત્યારે 718 નબળા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 342 પોઇન્ટના ઉછાળાથી 82251 હતો જે ઉંચામાં 82783 તથા નીચામાં 81874 હતો. નીફટી 113 પોઇન્ટ વધીને 25271 હતો જે ઉંચામાં 25435 તથા નીચામાં 25168 હતો. કરન્સી માર્કેટમાં પણ રૂપિયાનું ધોવાણ અટક્યું હતું અને ડોલર સામે રૂપિયો 6 પૈસાનો સુધારો સુચવતો હતો.
