બ્રેન્ટ ક્રુડ 88.22 ડોલર થઈને ફરી 95 ડોલરે પહોંચ્યુ
ઈરાન સામેનુ યુદ્ધ વ્હેલીતકે ખત્મ થઈ જવાના અમેરિકી પ્રમુખ ટ્રમ્પના નિવેદનને પગલે ક્રુડતેલમાં આજે 11 ટકાનો જોરદાર કડાકો સર્જાયો છે. 119 ડોલર સુધી પહોંચી ગયેલો ક્રુડનો ભાવ આજે ઈન્ટ્રા-ડે 85 ડોલરની નીચે ઉતરી ગયો હતો.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ વ્હેલીતકે પુર્ણ થઈ જવાનુ નિવેદન કર્યુ હતું. યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટેટ બંધ થવાના કારણોસર ભારત સહિત દુનિયાભરમાં ક્રુડની સપ્લાય પ્રભાવિત થઈ છે અને તેને કારણે વૈશ્ર્વિક ક્રુડભાવ સળગ્યા હતા. પરંતુ આજે ટ્રમ્પના નિવેદન બાદ કડાકો હતો.
ક્રુડને વૈશ્ર્વિક ભાવ ગઈકાલે ઉંચામાં 119 ડોલરને આંબી ગયો હતો. આજે વર્લ્ડમાર્કેટમાં ડબલ્યુટીઆઈ ક્રુડ નીચામાં 84.43 ડોલર થઈને 90.31 ડોલર સાંપડયુ હતું. બ્રેન્ટ ક્રુડ નીચામાં 88.22 ડોલર થઈ તે 94.22 ડોલર હતો.
જાણકારોના કહેવા પ્રમાણે યુદ્ધ ખત્મ થવાના સંજોગોમાં ફરી હોર્મુઝ સ્ટ્રેટ ખુલી શકે અને કેટલાંક દિવસોથી આ જળમાર્ગે બંધ થયેલુ ક્રુડતેલનું પરિવહન ફરી શરૂ થવા સાથે સપ્લાઈની ચિંતા દુર થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રશિયન વડા પુતિન સાથે ટ્રમ્પે એક કલાક વાતચીત કરી હતી અને ત્યારબાદ ટ્રમ્પનુ નિવેદન આવ્યુ છે.
નિષ્ણાંતોએ એમ કહ્યું કે ક્રુડતેલ 100 ડોલરની ઉપર રહેવાના સંજોગોમાં ચિંતા રહી શકે છે.
