અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગયા મહિને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ આદેશને રદ કરી દીધો હતો. આ ઉપરાંત કોર્ટે અત્યાર સુધીમાં વસૂલવામાં આવેલા ટેરિફને પરત કરવાનો ટ્રમ્પ તંત્રને આદેશ આપ્યો હતો. હવે અમેરિકાએ ટેરિફ રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અંદાજ મુજબ વિશ્વના અનેક દેશો પાસેથી ટેરિફ વસૂલનાર અમેરિકા લગભગ 160 અબજ ડોલર રિફંડ કરશે.
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં આદેશ બાદ અમેરિકન તંત્રએ ટેરિફ રિફંડ પ્રક્રિયા 20 એપ્રિલથી શરૂ કરી દીધી છે. અંદાજ મુજબ ટેરિફ પેટે લેવાયેલા 166 અબજ ડોલર પરત કરવામાં આવશે. હવે અમેરિકન સરકારને તે આયાતાકારો ક્લેમ કરી શકશે, જેમણે ટ્રમ્પના આદેશ બાદ ‘ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ’ (ઈંઊઊઙઅ) હેઠળ ટેરિફની ચૂકવણી કરી હતી. અંદાજે 3.30 લાખ અમેરિકન કંપનીઓએ 5.3 કરોડથી વધુ શિપમેન્ટ પર આ ટેક્સ ભર્યો હતો, જેઓ હવે આ રકમ પરત મેળવવા માટે લાયક છે.
જોકે રિફંડ પ્રક્રિયા ઓટોમેટિક કરાઈ નથી. રિફંડ મેળવવા માટે કંપનીઓએ અરજી કરવી પડશે. આશા છે કે, મંજૂરી મળ્યા બાદ લગભગ 60થી 90 દિવસની અંદર (મેથી જુલાઈ-2026 વચ્ચ) રિફંડ મળવાનું શરૂ થઈ જશે. ખાસ વાત એ છે કે, અમેરિકન નાગરિકો કે ગ્રાહકોને સીધું રિફંડ નહીં મળે. આ નાણાં માત્ર તે આયાતકાર અને કંપનીઓને પરત કરાશે, જેમણે સરકારને ટેક્સ આપ્યો હતો.
