યુધ્ધ શરૂ થયું તે પૂર્વે ભારતની ક્રુડ પડતર 70.9 ડોલરની હતી: હોર્મુઝ સ્ટ્રેટમાં પરિવહન નોર્મલ ન થાય ત્યાં સુધી પડકારજનક સ્થિતિનો સામનો કરવો પડશે:31 માર્ચ પછી ભારત સરકાર પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ઝીંકે તેવી ભીતિ
ઇરાન યુધ્ધના કારણે ભારત સહિત દુનિયાભરના દેશોમાં ક્રુડ તેલ અને ગેસની સમસ્યાને કારણે અર્થતંત્ર પર ગંભીર અસર પડવાનું શરુ થઇ ગયું છે. ભારતીય રિફાઇનરીને ક્રુડ તેલની પડતરમાં 93 ટકા જેવો ધરખમ વધારાનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય ક્રુડ બાસ્કેટની કિંમત વધીને 136.56 ડોલર સુધી પહોંચી ગઇ છે જે યુધ્ધ શરુ થયું તે પૂર્વે (26 ફેબ્રુઆરી) માત્ર 70.9 ડોલર હતી આ સંજોગોમાં 31 માર્ચ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ શકે છે.
ક્રુડ તેલની કિંમતમાં જોરદાર વધારાને કારણે ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલીયમ, ભારત પેટ્રોલીયમ જેવી સરકારી ઉપરાંત રીલાયન્સ જેવી ખાનગી કંપનીઓના માર્જીન સંપૂર્ણપણે ધોવાઇ ગયા છે. અમેરિકા સહિતના દેશોએ પેટ્રોલ-ડીઝલની કિંમત વધારી દીધી છે પરંતુ ભારતે હજુ તેમાં કોઇ ફેરફાર કર્યો ન હોવાથી વપરાશકારોને ઘણા અંશે રાહત છે પરંતુ પ્રવર્તમાન સ્થિતિમાં કોઇ બદલાવ ન થવાના સંજોગોમાં ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સરકાર 31 માર્ચ સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરવાના મૂડમાં નથી. કારણ કે તેમ કરવાના સંજોગોમાં બજેટના ટાર્ગેટ અને રાજકોષીય સંતુલનને અસર થઇ શકે છે. આ સ્થિતિ ટાળવા ભાવને યથાવત રાખવામાં આવશે. આ જ રીતે રાજકીય કારણ પણ રહ્યું છે. પશ્ર્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ સહિત પાંચ રાજ્યોમાં આવતા મહિને ચૂંટણી યોજાવાની છે. પેટ્રોલ-ડીઝલ મોંઘુ થવાના સંજોગોમાં ચૂંટણી પર અસર થવાની ભીતિને કારણે પણ સરકાર ભાવ વધારો નિર્ણય લેશે કે કેમ તે જોવાનું રહેશે.
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચેનું યુધ્ધ શરુ થયું ત્યારથી જ વિશ્ર્વ બજારમાં ક્રુડતેલના ભાવમાં ભડકો થયો છે. ડબલ્યુટીઆઇ ક્રુડમાં 50 ટકા અને બ્રેન્ટ ક્રુડમાં 40 ટકાથી વધુનો વધારો થઇ ગયો છે. આ વધારા પાછળનું કારણ ક્રુડ તેલની સપ્લાય વેરવિખેર થવાનું છે. યુધ્ધ વચ્ચે ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે. જ્યાંથી 20 ટકા ક્રુડ તેલનું પરિવહન થતું હોય છે. પરિવહન થંભી જવાના કારણે ભારત સહિત દુનિયાભરના દેશોમાં ક્રુડ મોરચે પડકાર સર્જાયો છે. ભારત માટે તો હાલત વધુ ખરાબ થઇ છે. કારણ કે ભારતમાં ઠલવાતું 60 ટકા ક્રુડ આ માર્ગેથી આવતું હોય છે. આ સિવાય ભારતને વધુ એક ફટકો રશિયન ક્રુડનો પડ્યો છે. લાંબા વખત સુધી રશિયા દ્વારા ભારતને ડીસ્કાઉન્ટમાં ક્રુડ આપવામાં આવતું હતું પરંતુ હવે તેના દ્વારા ક્રુડ મોંઘુ કરી દેવામાં આવ્યું છે. રશિય ક્રુડમાં પણ 50 ટકા ભાવ વધારો થયો છે.
ભારતીય આર્થિક સલાહકાર સમિતિના સભ્ય અને જાણીતા અર્થશાસ્ત્રી નિલકંઠ મીશ્રાએ જણાવ્યું હતું કે વિશ્ર્વ સ્તરે ક્રુડ તેલની કિંમત 100 ડોલરથી ઉપર જ રહેવાના સંજોગોમાં ભારતના આયાત બીલમાં 80 અબજ ડોલરનો વધારો થઇ શકે છે. જે જીડીપીના 2.1% થવા જાય છે.
હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ગીતા ગોપીનાથે એવી લાલબત્તી કરી હતી કે ચાલુ વર્ષમાં ક્રુડની કિંમત સરેરાશ 85 ડોલર આસપાસ રહે તો વૈશ્ર્વિ વિકાસ દર 0.3 થી 0.4 ટકા સુધી ઘટી શકે છે અને મોંઘવારીમાં 0.60 ટકાનો વધારો થઇ શકે છે. રેટીંગ એજન્સી ઇકરાના રિપોર્ટ પ્રમાણે ક્રુડ તેલમાં 10 ડોલરના વધારાથી ભારતની ચાલુ ખાતાની ખાદ્ય 0.30 થી 0.40 ટકા સુધી વધી શકે છે.
આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સીએ ક્રુડ તેલના ભાવને નિયંત્રીત કરવા માટે અનામતમાંથી 40 કરોડ બેરલ રીલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય પછી થોડો વખત ક્રુડ તેલમાં મામુલી ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ત્યારબાદ ફરી તેજી થઇ ગઇ છે અને ક્રુડ તેલ કેટલાક દિવસોથી 100 ડોલરની ઉપર જ રહ્યું છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પરિવહન નોર્મલ ન થાય ત્યાં સુધી ક્રુડ તેલ માર્કેટમાં અસ્થિરતાનો માહોલ યથાવત રહી શકે છે અને ભારત પરના આર્થિકબોજમાં કોઇ રાહત નહીં મળે. પશ્ર્ચિમ એશિયામાં યુધ્ધને કારણે ચાલુ આખો મહિનો પડકારજનક જ બની રહેવાનું માનવામાં આવી રહ્યું છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ ફેબ્રુઆરી મહિનામાં ભારતની નિકાસ ગત વર્ષની સરખામણીએ 0.81 ટકા ઘટીને 36.61 અબજ ડોલરની રહી હતી જ્યારે આયાત 24.11 ટકા વધીને 63.71 અબજ ડોલરની રહી હતી. વ્યાપાર ખાદ્ય 27.1 અબજ ડોલરની રહી હતી.
