સરકાર માટે હવે આ વર્ષમાં કોઈ ચુંટણી નડતી નથી
વેકેશન ખુલતા જ શાળા-કોલેજોના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધશે: ખુદ શિક્ષણ મોંઘુ થશે
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ચુંટણી પુરી થવાની રાહ જોયા બાદ પેટ્રોલ-ડિઝલ ભાવ વધારાનો નિર્ણય લીધો તે પુર્વે પણ અનેક કારણોસર બજારોમાં મોંઘવારી-ભાવવધારો પ્રવેશી ગયો હતો. ગઈકાલે જ જાહેર થયેલા જથ્થાબંધ ફુગાવાનો આંક 8.30% દર્શાવાયો અને તેમાં ઉત્પાદન સંબંધી કાચા માલના ભાવ વધ્યા છે જે બજારમાં છુટક મોંઘવારી પણ વધારશે. સરકારના સંકેતો છે કે આ ભાવવધારો પહેલો નથી અને છેલ્લો નથી પણ ઈરાન યુદ્ધ પુરુ થયા બાદ આ વર્ષના અંત સુધી ભાવ વધારાના આંચકા લાગતા રહેશે.
જે રીતે ક્રુડતેલ 100 ડોલર પ્રતિબેરલ અને તેથી વધુ છે તથા હોર્મુઝ જળમાર્ગ ખુલ્યા પછી પણ પરીસ્થિતિ ઝડપથી થાળે પડશે નહી તેથી મોંઘુ ક્રુડતેલ ખરીદવુ પડશે. યુદ્ધ શરૂ થયા પુર્વે ક્રુડતેલ 57 ડોલર હતુ જે 100 ડોલર છે કે આમ ડબલ ભાવ થયા છે. સરકારને બે આંકડામાં એટલે કે પેટ્રોલ-ડિઝલમાં રૂા.15થી18 અને રૂા.20 સુધી ભાવવધારો કરવા પડે તેવી સ્થિતિ છે પણ એક સાથે મોટો વધારો જબરો વિરામ સર્જાય તેથી હવે પેટ્રોલ-ડિઝલના ભાવ તબકકાવાર વધતા જશે.
આ ભાવવધારાની તાત્કાલીક અસર આવશ્યક ચીજો, શાકભાજી, ફળો, ડેરી પ્રોડકટસ પેકેજ ફુડ, ખાદ્યતેલ વિ. પર પડશે. ટ્રાન્સપોર્ટર લાંબા સમયથી સંચાલન ખર્ચ વધારો સહન કરતા હતા. ટાવર વિ.ના વધેલા ભાવ વિ. પણ અસર કરતા હતા તેમાં આ ઈંધણ ભાવવધારો હવે પુરી રીતે પાસ ઓન કરી દેવાશે. તમામ ડીલીવરી નેટવર્કમાં ઈંધણ ખર્ચ વધશે. હજું ગેસ ભાવ વધારાનો મોટો આંચકો બાકી છે. વિમાની ઈંધણના ભાવ વધતા એરલાઈન્સ ખોટ ઘટાડવા વિમાની સેવા પણ ઘટાડી રહી છે. ભારતના કૃષીક્ષેત્રને હવે નવી ખરીફ સીઝન ચિંતાનો પટારો લઈને આવી છે. ચોમાસાની નબળી સ્થિતિ, ખાતરના ભાવવધારો અને હવે ડિઝલના ભાવ વધારો તે ખેતીનો ખર્ચ વધારશે તથા વાવણીથી લલણી અને ટ્રાન્સપોર્ટેશન તમામ મોંઘા થશે તો શિક્ષણમાં નવા વર્ષથી બાળકોના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે અને તબકકાવાર પુરા શિક્ષણક્ષેત્રમાં સેવા મોંઘી થશે. સરકારે ઈરાન કટોકટીના પ્રારંભે જ ઘરેલુ રાંધણ ગેસના ભાવ વધારી દીધા હતા. કોમર્શિયલ ગેસના ભાવ વધતા રહ્યા છે. સીએનજી-વાહનોનો ગેસ અનેક રાજયોમાં મોંઘો થયો છે જે ગુજરાતમાં પણ થશે અને તેની પણ અસર વ્યાપક ટ્રાન્સપોર્ટેશન પર થશે. એસ.ટી.-રેલ્વે પણ ભાડા વધારશે.
હાલમાં જ દૂધમાં ભાવ વધારો થયો છે અને હવે ખાનગી સપ્લાયર પણ ભાવ વધારશે. હોટલ-રેસ્ટોરા ઉદ્યોગને આ તમામ બાજુથી ભીસ છે અને નાના ખાણીપીણી વેન્ડર પણ મોંઘા ગેસથી પરેશાન છે અને તેમાં પણ ભાવવધારો તબકકાવાર કરી રહ્યા છે.
