બેન્ક લોન ડિફોલ્ટમાં સેટલમેન્ટ પછી ફોજદારી કાર્યવાહી ચાલુ રહી શકે નહી: સુપ્રીમ

નવી દિલ્હી: દેશમાં વધી રહેલા બેન્ક ડિફોલ્ટર તથા નાણાકીય વ્યવહારોમાં પણ ચેક રિટર્ન સહિતના કેસોની વધતી જતી સંખ્યા સામે સુપ્રીમકોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું કે જો કોઈ ડિફોલ્ટર (નાણાકીય જવાબદારી નહી પુરી કરનાર) અને બેન્ક વચ્ચે સમજુતી થઈ જાય અને ડિફોલ્ટર સમજુતી મુજબના નાણા ચુકવી આપે પછી તેની સામે કોઈ ફોજદારી કાર્યવાહી ચાલુ રાખી શકાશે નહી. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બી.વી.નાગરત્નાની ખંડપીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું કે જો એક વખત સેટલમેન્ટ થયા પછી પણ ફોજદારી કાર્યવાહી સમગ્ર અર્થવ્યવસ્થાને પંગુ બનાવવા સમાન હશે. ખંડપીઠે એ પણ જણાવ્યું કે આ પ્રકારની ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવે તો પણ તે અદાલતી કાર્યવાહીના ગેરઉપયોગ જેવી ગણાશે. સર્વોચ્ચ અદાલત સમક્ષ એક વ્યાપારીએ તેણે બેન્ક સાથે સમજુતી મુજબ નાણા ભરપાઈ કરી દીધા હોવા છતાં બેન્કે જે રીતે ફોજદારી કાર્યવાહી આગળ વધારી છે તેને પડકારી હતી. આ કેસમાં બેન્કના રૂા.6.49 કરોડના ડયુ જેમાં 3.09 કરોડનું વ્યાજ હતું તેની સામે ડેટ રીકવરી ટ્રીબ્યુનલમાં થયેલી સમજુતી મુજબ વ્યાપારીએ રૂા.4.25 કરોડ ભરપાઈ કરી દીધા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જેમ દિવાની (સિવિલ) કેસ જેમાં નાણાકીય વ્યવહારોમાં બન્ને પક્ષ વચ્ચે સમજુતી બાદ કેસનો અંત આવે છે તે જ રીતે આ પ્રકારના ફોજદારી કેસનો પણ અંત આવે તે નિશ્ર્ચિત છે. આ કેસમાં અરજદારને સજા કે દંડ થાય તે પણ શકય નથી. આ કેસમાં વ્યાપારીએ બેન્ક ધિરાણ મેળવવા તેના બેલેન્શશીટ સહિતના બનાવટી દસ્તાવેજો રજુ કર્યા હતા અને તેને મળવાપાત્ર ધિરાણ કરતા બે ગણું ધિરાણ મેળવીને પછી ભરપાઈ કર્યુ ન હતું.

રિલેટેડ ન્યૂઝ