ભારતીયોના ઘરમાંથી 5 ટકા સોનુ બહાર આવે તો આયાત બીલ 90 અબજ ડોલર ઘટે, બે વર્ષ ઇમ્પોર્ટની જરૂર ન પડે

કેન્દ્ર સરકાર દેશમાં ઘરોમાં બિનઉપયોગી પડેલા સોનાને બેંકિંગ સિસ્ટમમાં લાવવા માટે એક મોટો પ્લાન તૈયાર કરી રહી છે. સરકાર ’ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ’ (સોનું મુદ્રીકરણ યોજના) ને તદ્દન નવા સ્વરૂપમાં રજૂ કરવાની તૈયારીમાં છે, જેની સત્તાવાર જાહેરાત આગામી ઓગસ્ટ મહિનામાં થઈ શકે છે.
ભારતીય પરિવારો પાસે અત્યારે અંદાજે 32,000 ટન સોનું વણવપરાયેલું (નિષ્ક્રિય) પડ્યું છે. સરકાર આ સોનાને દેશની ઔપચારિક નાણાકીય વ્યવસ્થાનો ભાગ બનાવવા માંગે છે. આ યોજના સફળ થવાથી વિદેશથી મંગાવવામાં આવતા સોના (આયાત) પરની નિર્ભરતા ઘટશે અને દેશનું આયાત બિલ પણ ઓછું થશે.
આ વખતે યોજનાને સફળ બનાવવા માટે સરકાર પહેલીવાર સ્થાનિક જ્વેલર્સ (સોનીઓ)ને આ સ્કીમનો હિસ્સો બનાવવા જઈ રહી છે. જ્વેલર્સ પાસે ગ્રાહકોનો ભરોસો, મોટું નેટવર્ક અને સોનાની શુદ્ધતા માપવાની આધુનિક વ્યવસ્થા હોવાથી આ નિર્ણય લેવાયો છે. જ્વેલર્સ હવે ’કલેક્શન સેન્ટર’ તરીકે કામ કરશે. તેઓ લોકો પાસેથી સોનું સ્વીકારીને તેને માન્યતા પ્રાપ્ત રિફાઇનર્સ અને બેંકો સુધી પહોંચાડશે.સોનાની તપાસ અને પ્રોસેસિંગ કરવા બદલ જ્વેલર્સને નક્કી કરેલી ફી (સર્વિસ ચાર્જ) મળશે. આ ઉપરાંત, તેમને વિદેશી બુલિયનની જગ્યાએ સ્થાનિક સ્તરે જ ઓછી કિંમતે કાચો માલ (સોનું) મળી રહેશે, જેનાથી તેમની વર્કિંગ કેપિટલ (કાર્યકારી મૂડી)નો ખર્ચ ઘટશે.
ચોઇસ બ્રોકિંગના આમિર મકદાએ જણાવ્યું હતું કે, “જો ભારતના લોકો પાસે રહેલા કુલ સોનામાંથી માત્ર 5% (અંદાજે 1,250 ટન) સોનું પણ આ યોજના હેઠળ બેંકોમાં આવી જાય, તો દેશની અંદર જ 90 અબજ ડોલર (આશરે 7.7 લાખ કરોડ રૂપિયા) જેટલી રોકડની તરલતા (લિક્વિડિટી) ઊભી થઈ શકે છે.”
જો આવું થશે, તો સૈદ્ધાંતિક રીતે ભારતને આગામી બે વર્ષ સુધી વિદેશમાંથી સોનું આયાત કરવાની જરૂર નહીં પડે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની માંગ ઘટશે અને ભારતીય રૂપિયો વધુ મજબૂત બનશે.

ગોલ્ડ મોનેટાઈઝેશનનો ફાયદો
ઘરમાં પડેલા નિષ્ક્રિય સોના પર વ્યાજ મળે છે. તેમજ જરૂરિયાત મુજબ રોકાણમાં સરળતા મળે છે.
માત્ર 10 ગ્રામ સોનું જમા કરીને પણ રોકાણની શરૂઆત કરી શકાય છે.
આ યોજનામાં સોનું નીચે મુજબની અવધિ માટે જમા કરી શકાય છે:શોર્ટ ટર્મ: 1 થી 3 વર્ષ,મીડિયમ ટર્મ: 5 થી 7 વર્ષ,લોંગ ટર્મ: 12 થી 15 વર્ષ
જો રોકાણકાર દર વર્ષે વ્યાજ મેળવવાનો વિકલ્પ પસંદ કરે, તો તેને દર વર્ષે 31 માર્ચ સુધી સાદું વ્યાજ ચૂકવવામાં આવે છે.
જો વ્યાજ મેચ્યોરિટી સમયે લેવાનું પસંદ કરવામાં આવે, તો ચક્રવૃદ્ધિ વ્યાજના આધારે ચુકવણી કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ