સવાર-સવારમાં ‘આજે નાસ્તામાં શું બનાવવું?’ એ દરેક ઘરમાં એક મોટો સવાલ હોય છે. આપણે હંમેશા એવો નાસ્તો ઈચ્છીએ છીએ જે સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ હોય અને ઝટપટ બની જાય. જો તમે પણ કોઈ આવી જ નવી વાનગી ટ્રાય કરવા માંગતા હોવ, તો મગની દાળનો આ ચટપટો નાસ્તો બેસ્ટ ઓપ્શન છે. આ રેસીપીની ખાસિયત એ છે કે તેમાં દાળને કલાકો સુધી પલાળવાની કે નાસ્તાને તેલમાં તળવાની બિલકુલ જરૂર નથી.
આવો જાણીએ આ પૌષ્ટિક અને મસાલેદાર નાસ્તો બનાવવાની સરળ રીત:
જરૂરી સામગ્રી:
- લીલી મગની દાળ: ૧ કપ
- સોજી: અડધો કપ
- ગરમ પાણી: ૧ મોટો કપ
- ઘટ્ટ દહીં: ૧ ચમચી
- બેકિંગ સોડા: ચપટી (૧/૪ ચમચી)
- લીલા મરચાં, કઢી પત્તા અને લીલી કોથમીર (ઝીણી સમારેલી)
- મસાલા: કાળા મરી પાવડર, મીઠું, રાઈ, તલ, ચીલી ફ્લેક્સ, કાશ્મીરી લાલ મરચું
- સ્પેશિયલ ટ્વિસ્ટ: પાવભાજી મસાલો અથવા મેગી મેજિક મસાલો
- વઘાર માટે: ૧ ચમચી તેલ, લીંબુ અને થોડો નાળિયેરનો બૂરો (પાવડર)
બનાવવાની રીત
દાળનું ઇન્સ્ટન્ટ બેટર સૌ પ્રથમ એક કપ લીલી મગની દાળને પાણીથી બરાબર ધોઈ લો. ત્યારબાદ તેનું પાણી નિતારીને મિક્સરના નાના જારમાં દાળને સહેજ કરકરી (બરછટ) પીસી લો. હવે આ પીસેલી દાળને એક વાસણમાં કાઢી, તેમાં એક કપ ઉકળતું ગરમ પાણી ઉમેરીને ૧૦ મિનિટ માટે ઢાંકીને રાખી દો, જેથી દાળ તરત જ ફૂલી જાય.
સોજી અને મસાલાનું મિશ્રણ ૧૦ મિનિટ પછી દાળ બરાબર ફૂલી જાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું, કાળા મરીનો પાવડર, ૨-૩ ઝીણા સમારેલા લીલા મરચાં અને કઢી પત્તા ઉમેરો. હવે તેમાં અડધો કપ સોજી અને ૧ ચમચી ઘટ્ટ દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લો. (જો ઈચ્છો તો પાણી નિતારેલા ઝીણા શાકભાજી પણ ઉમેરી શકો છો).
વરાળમાં બાફવું (સ્ટીમિંગ) હવે આ મિશ્રણમાં ઝીણી સમારેલી કોથમીર અને બેકિંગ સોડા ઉમેરી હળવા હાથે હલાવો. હાથ પર સહેજ તેલ લગાવી આ બેટરમાંથી વડા જેવો ગોળ આકાર બનાવી વચ્ચે નાનું કાણું (હોલ) પાડો. એક જાળીવાળી પ્લેટને તેલથી ગ્રીસ કરી આ વડા તેમાં ગોઠવી દો. કડાઈ કે સ્ટીમરમાં પાણી ગરમ કરી આ વડાને ૧૦ થી ૧૨ મિનિટ માટે વરાળમાં બફાવા દો. ઉપરનું પડ કડક થઈ જાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડા થવા દો.
ચટપટો ટ્વિસ્ટ અને વઘાર એક પેનમાં માત્ર ૧ ચમચી તેલ ગરમ કરો. તેમાં રાઈ, તલ, લાંબા સમારેલા લીલા મરચાં અને નાળિયેરનો પાવડર ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ, રંગ માટે કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ વધારવા પાવભાજી કે મેગી મસાલો ઉમેરો. મસાલા બળી ન જાય અને નાસ્તા પર બરાબર ચોંટી જાય તે માટે અડધો કપ પાણી અને સહેજ મીઠું ઉમેરી ઉકાળો. હવે આ વઘારમાં બાફેલા વડા ઉમેરી હળવા હાથે મિક્સ કરી લો.
છેલ્લે ઉપરથી લીંબુનો રસ અને લીલી કોથમીર ભભરાવી ગેસ બંધ કરો. તૈયાર છે તેલ વિનાનો સોફ્ટ અને મસાલેદાર મગની દાળનો ગરમાગરમ નાસ્તો! તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો.
