ઈન્દોરમાં દૂષિત પાણી પીવાને કારણે 8ના મોત ! 1200થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા !!

મધ્યપ્રદેશના ઇંદોર શહેરના બાણગંગા વિસ્તારમાં આવેલાં ભાગીરથપુરામાં દૂષિત પાણી પીવાને કારણે ગંભીર આરોગ્ય સંકટ સર્જાયું છે. અત્યાર સુધી 8 લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે, જોકે આરોગ્ય વિભાગ તરફથી હજી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાની ગંભીરતા જોતા આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને વિસ્તારમાં આવેલાં 2700 ઘરોનું સર્વેક્ષણ હાથ ધર્યું. આ સર્વે દરમિયાન 1200થી વધુ લોકો બીમાર હોવાનું બહાર આવ્યું છે, જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
વિસ્તારમાં રહેનારા મોટાભાગનાં લોકોને ઉલટી, જાળા , તાવ, કમજોરી અને ડિહાઇડ્રેશન જેવી તકલીફો જોવા મળી રહી છે. હાલ 111 દર્દીઓને સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 35 દર્દીઓની હાલત ગંભીર હોવાનું ડોક્ટરો જણાવી રહ્યાં છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. કેટલાક દર્દીઓને સતત ઉલટી થતી હોવાથી હોસ્પિટલમાં બેડ પર જ બકેટ રાખવાની ફરજ પડી રહી છે.
પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રશાસને ટેન્કર દ્વારા પીવાના પાણીની સપ્લાય શરૂ કરી છે, પરંતુ સ્થાનિક રહેવાસીઓમાં વિશ્વાસ ન રહેતા ઘણા લોકો ઉકાળેલું અથવા આરઓનું પાણી પીવા મજબૂર બન્યાં છે. આરોગ્ય વિભાગના ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની ટીમો 14 ગલીઓમાં ઘરે-ઘરે જઈને તપાસ કરી રહી છે. આશા વર્કરો દ્વારા ઘછજ, ક્લોરિન ગોળીઓ અને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તથા લોકોને ઉકાળેલું પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે.
રાજ્યના મંત્રીએ ઘટનાસ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી છે. તમામ દર્દીઓને મફત સારવાર આપવાનાં આદેશ સાથે પાણીના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પ્રશાસન દ્વારા આપવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ