ચડતર વેરા બિલની હપ્તા સીસ્ટમ યોજનાનો લાભ લેનાર મિલકત ધારોકોને વ્યાજમાફી યોજનાથી બાકાત રખાતા કચવાટ : અડધો અડત વેરો જે વ્યાજ હોય છે. તે માફ થઇ જશે તેવી આશા સાથે વેરા વિભાગ ખાતે લાઇન લાગી ત્યારે પરપોટો ફૂટ્યો
રાજકોટમાં દાયકા બાદ બાકી મિલકત વેરામાં રૂપિયા 5-5 હજારની વ્યાજ માફી યોજના શરૂ થઇ છે. પરંતુ વેરામાં હપ્તા યોજનાનો લાભ લેનારા આસામીઓને વ્યાજ માફી ન મળતા કચવાટ પ્રસર્યો છે. કારણ એ છે કે, કાં તો વ્યાજમાફી કાં તો હપ્તા. બન્નેનો લાભ એકસાથે નહીં મળે. સામાન્ય વ્યાજ માટે મોટી રકમ ભરવી નથી તેવું કહેતો એક મોટો વર્ગ હજુ ટેક્સ ભરવા ડગતો નહિ હોવાથી મનપા માટે તો એ મોટા લેણા ક્યારે છૂટા થશે તે સવાલ યથાવત છે.
રાજકોટ મનપ દ્વારા દાયકા બાદ મધ્યમ વર્ગિય આસામીઓ માટે વ્યાજમાફી યોજના શરૂ કરવામાં આવી છે. જેને સારો પ્રતિસાદ સાંપડ્યો છે. પરંતુ અત્યાર સુધી ચાલુ રહેલ ચડતર વેરા બિલની હપ્તા સીસ્ટમ યોજનાનો લાભ લેનાર મિલકત ધારોકોને વ્યાજમાફી યોજનાથી બાકાત રખાતા કચવાટ છે. હપ્તા સીસ્ટમ યોજના ઘણા સમયથી ચાલુ હતી પરંતુ વ્યાજ માફી વચ્ચે હપ્તા યોજનાનો લાભ નહીં મળે તેવી જાણ કરાતા લાભાર્થીનો એક મોટો વર્ગ યોજનાથી દૂર થઇ જાય તેવું લાગે છે. 31 માર્ચ સુધી આ વ્યાજમાફી યોજના ચાલવાની છે.
મહાનગરપાલિકાએ છેલ્લા ઘણા સમથી નાના મિલકતો ધારકો માટે ચડતર વેરા બિલ ભરપાઇ કરી શકે તે માટે હપ્તા સીસ્ટમ શરૂ કરી છે. કોઇ પણ અરજદાર હપ્તા સીસ્ટમનો લાભ લઇ પ્રથમ હપ્તો ભરે ત્યારથી મિલકત પર ચડતુ વ્યાજ બંધ કરી દેવામાં આવે છે અને ત્યા સુધીની વ્યાજ સહિતનો મિલકત વેરો અરજદારે ભરપાઇ કરવાનો હોય છે. આ યોજનાનો અનેક લોકો લાભ લઇ રહ્યા હતા.
નાના મિલકત ધારોકે જે ઓ 25000થી વધુ મિલકત વેરો એક સાથે ભરી શકતા ન હોય તેવો આ લાભ લઇ રહ્યા હતા. પરંતુ વ્યાજમાફી યોજના શરૂ થતા આ પ્રકારના આસામીઓને અડધો અડત વેરો જે વ્યાજ હોય છે. તે માફ થઇ જશે તેવી આશા સાથે વેરા વિભાગ ખાતે પહોંચ્યા હતા. જયા તેમને કહેવામાં આવેલ કે, હપ્તા સીસ્ટમ અપનાવો અથવા વ્યાજમાફીનો લાભ લ્યો તેવુ જણાવતા અનેક મિલકત ધારોકે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. કારણ કે એક સાથે મોટી રકમ ભરી શકે તેમ ન હોવાથી હપ્તા સીસ્ટમનો લાભ લીધો હતો અને વ્યાજમાફી જોતી હોય તો એક સાથે તમામ રકમ ભરવી પડે તેમ હોય અને અનેક આસામીઓ એક સાથે ભરી શકે તેમ ન હોવાથી વ્યાજમાફીનો લાભ ગુમાવવો પડે તેમ છે.આ વ્યાજમાફી યોજના શરૂ કરતા જ હપ્તા યોજના બંધ કરી છે. જેના લીધે નાના મિલકત ધારકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. અનેક આસામીઓએ વ્યાજમાફી યોજના સાથે હપ્તા સીસ્ટમો લાભ આપવાની માંગ ઉઠાવી છે.
મહાનગરપાલિકાએ 2016બાદ 10 વર્ષે ફરી વખત મિલકત વેરા બિલમાં વ્યાજમાફી યોજના શરૂ કરી છે. કોર્પોરેશનની ચૂંટણીઓ નજીક આવતા આ યોજના લીમીટ સાથે આપવામાં આવી છે. જેમાં મોટા ભાગે નાના બાકીદારોને લાભની વાત ધ્યાનમાં રાખવામાં આવી છે. મોટા બાકીદારો ઘણાં સમયથી મોટા વ્યાજ માફ થાય તેની રાહ જોતા હતા, પરંતુ લીમીટ આવી જતાં તેઓના વ્યાજ યથાવત છે .
તો સામે આવા બાકીદારો વેરો ભરવા ઉતાવળા પણ થયા નથી. આ સંજોગોમાં વેરા વિભાગની કસરત પણ ચાલુ રહી છે, એક સાથે ભૂતકાળની વ્યાજમાફીની જેમ કરોડોની આવક થઇ જાય તેવું લાગતું નથી. કોર્પો.ની તિજોરીને થોડો ઓક્સિજન મળવાનો છે પરંતુ દાયકાઓ જૂના લેણા ક્યારે છૂટા થશે તે કોઇ કહી શકતું નથી. હાલ તો કડક રીકવરી, સીલીંગ ઝુંબેશ અને વ્યાજમાફી યોજના એક સાથે ચાલી રહ્યા છે. માર્ચના અંત સુધીમાં વધુ આવક થાય તેની સાથે જૂના બાકીદારો પાસે કડકમાં કડક વસૂલાત થાય તો પ્રમાણિક કરદાતાઓને સંતોષ થાય તેવું બનશે. કોર્પો.ની ટેક્સની આવક પગાર ખર્ચમાં ખર્ચ થઇ જાય છે આ સંજોગોમાં માત્ર ટેક્સ નહિ પરંતુ અન્ય આવકના સ્ત્રોત પણ મજબૂત કરવા સૂચનો થયા છે.
