ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદન આપી તપાસની માંગ કરી
ઉના તાલુકાના ખાપટ ગામમાં મફત પ્લોટ વિતરણનો વિવાદ ફરી સપાટી પર આવ્યો છે.આ મામલેગ્રામજનો એ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને તટસ્થ તપાસની માગ કરી હતી.ગત 14 ફેબ્રુઆરીના રોજ ગામમાં 195 મફત પ્લોટની સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે, આ વિતરણ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથેવિવાદ સર્જાયો છે. ગ્રામજનોએ આવેદનમાં જણાવ્યું હતું કે, ગામતળની માપણી ઉકછઈં દ્વારા કરાવવામાં આવે અને હાલ મંજૂર થયેલા ગામતળની પણ ફરી માપણી થાય. ડિસેમ્બર માસમાં લેન્ડ કમિટી સમક્ષ રજૂ થયેલા ફોર્મ પૈકી 91 લાભાર્થીઓના ફોર્મ ના મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં ઘણા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અન્યાય થયો હોવાનો દાવો કરાયો છે. આ ઉપરાંત, 115 લાભાર્થીઓના જે પ્લોટ મંજૂર થયા છે, તે નિયમ મુજબ મંજૂર થયા છે કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ. 31 ડિસેમ્બરે તલાટી મંત્રીને આપવામાં આવેલી 189 નવી અરજીઓ સંદર્ભે નવી લેન્ડ કમિટી બોલાવીને પાત્રતા ધરાવતા લોકોને પ્લોટની ફાળવણી કરવાની માંગ પણ કરવામાં આવી હતી. ગ્રામજનોએ કોઈ પણ પ્રકારની વહાલા-દવલાની નીતિ વગર ડ્રો પદ્ધતિથી પ્લોટની ફાળવણી કરવા અને સર્વે સમાજના ગરીબ તથા પાત્રતા ધરાવતા તમામ લોકોને સરકારી યોજનાનો લાભ મળે તેની ખાતરી આપવા જણાવ્યું હતું. જો તપાસ દરમિયાન ગેરરીતિ સામે આવે તો જવાબદારો સામે પગલાં ભરવાની પણ માંગ કરી હતી. અન્યથા, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
