કરોડોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો
તાલુકાના સુદામડા ગામની સીમમાં ગેરકાયદે ચાલતા બ્લેક્ટ્રેપ ખનીજ ના ખનન ની બાતમીના આધારે લીંબડી ડીવાયએસપી, સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સાયલા પોલીસ, સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની વિવિધ ટીમો દ્વારા ઓચિંતો દરોડો પાડતા ખનીજચોરી કરતા ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તંત્રના સંયુક્ત દરોડામાં સીમ વિસ્તારમાં અલગ અલગ પાંચ જેટલા સ્થાનો પર ચાલતા મોટા પાયે ખોદકામનો પર્દાફશ થયો હતો.તંત્ર દ્વારા બપોરના સમયે કરેલ દરોડામાં અંદાજે 35 ડમ્પર, 13 હિટાચી મશીનો, એક્સપ્લોસીવનો જથ્થો સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
કાર્યવાહી મોડે સુધી ચાલવાની સંભાવના સાથે ખનીજ વિભાગ દ્વારા સ્થળ પર કરાયેલ ગેરકાયદે ખનનની માપણી સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સુદામડા ગામે બે વર્ષ પહેલાં એક ખાણ પર ગેરકાયદે ખનન મામલે તંત્ર દ્વારા અંદાજે 270 કરોડનો દંડ ફ્ટકારવામાં આવ્યો હતો .
