કલાકોમાં જ બદલો… હવે ઇઝરાયેલની ઓઈલ રિફાઇનરી પર ઈરાનનો મિસાઈલ હુમલો

અમેરિકાએ ચેતવણી આપી હતી કે હવે તેલ – ગેસ ફેસિલિટી પર કોઈ હુમલો નહીં કરે – છતાં 24 કલાક ની અંદર જ તબાહી: વિશ્ર્વભરમાં તેલ બજાર અને સુરક્ષા અંગે ચિંતાનો માહોલ

તેલ અવિવ : મધ્યપૂર્વમાં ચાલી રહેલા ઈઝરાયલ-ઈરાન યુદ્ધ હવે વધુ ખતરનાક તબક્કામાં પ્રવેશ્યું છે. ઈરાને ઈઝરાયલના હૈફા શહેરમાં આવેલી સૌથી મોટી તેલ રિફાઈનરી પર મિસાઇલ હુમલો કર્યો, જેના કારણે ત્યાં આગ અને ધુમાડા જોવા મળ્યા હતા. જોકે ઈઝરાયલી અધિકારીઓએ જણાવ્યું છે કે જાનહાનિ થઈ નથી. આ રિફાઈનરી ‘બાઝાન ગ્રુપ’ દ્વારા સંચાલિત છે અને ઈઝરાયલના કુલ ઈંધણ પુરવઠામાં આશરે 50 થી 60 ટકા હિસ્સો આપે છે. આથી આ સ્થળ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ હુમલો ઈઝરાયલ દ્વારા ઈરાનના તેલ અને ગેસ સંબંધી માળખા-ખાસ કરીને દક્ષિણ પાર્સ ગેસ ક્ષેત્ર-પર કરાયેલા હુમલાના પ્રતિસાદ રૂપે થયો છે. ઈઝરાયલના આ હુમલાથી ઈરાનના ગેસ ઉત્પાદન પર સીધી અસર પડી હતી, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ અત્યંત વધી ગયો છે. ઈરાનની ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ દાવો કર્યો છે કે ખૈબર-શિકાન બેલિસ્ટિક મિસાઇલથી આ હુમલો કરવામાં આવ્યો હતો અને આ માત્ર શરૂઆત છે. હુમલા બાદ હૈફા વિસ્તારમાં સાયરન વાગ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વિડીયો અને સ્થાનિક અહેવાલોમાં રિફાઈનરી વિસ્તારમાંથી ઊંચો ધુમાડો ઉઠતો જોવા મળ્યો હતો. તેમ છતાં સુરક્ષા સિસ્ટમ અને ફાયર ફાઈટિંગ ટીમોએ આગ પર નિયંત્રણ મેળવી લીધું હતું. આ ઘટના પહેલા પણ 2025માં આ જ રિફાઈનરી પર હુમલો થયો હતો, જેમાં જાનહાનિ અને મોટા પાયે નુકસાન થયું હતું. આ યુદ્ધ હવે માત્ર બે દેશો વચ્ચે મર્યાદિત નથી રહ્યું, પરંતુ સમગ્ર મધ્યપૂર્વના ઊર્જા માળખાને અસર કરી રહ્યું છે. ઈરાન દ્વારા કતાર અને અન્ય ખાડી દેશોમાં ગેસ અને તેલ સંબંધી સુવિધાઓ પર પણ હુમલા કરવામાં આવ્યા છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા પર અસર પડી રહી છે. તેલના ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં અસ્થિરતા વધી રહી છે. ઘણા દેશોએ આ પરિસ્થિતિને ગંભીર ગણાવી તાત્કાલિક શાંતિ માટે અપીલ કરી છે.

રિલેટેડ ન્યૂઝ