દોઢ ડઝન સિંહો ત્રાટકતા પંથકમાં ભયનો માહોલ
અમરેલી જિલ્લાના ગીર વિસ્તારમાં સૌથી વધુ સિંહ પરિવારનો વસવાટ હોય અને આ એશિયાટિક સિંહને હવે જંગલ ટુંકું પડતું હોય, તથા પાણી અને શિકારની શોધમાં ફરતાં સિંહો હવે ટોળાં સ્વરૂપે ગીરકાંઠા વિસ્તારની માનવ વસ્તીઓ ધરાવતાં ગ્રામ્ય વિસ્તારમાં ઘુસી આવી અને માનવીઓ તથા દુધાળા પશુઓનાં શિકાર કરી રહયાં છે. ત્યારે ગઈકાલે સાંજનાં વરસાદી વાતાવરણ વચ્ચે ધારી તાલુકાના દેવળા ગામનાં ગીર પંથકમાં એક 18 જેટલાં સિંહોના ટોળાએ એક માલધારીના જોકમાં ત્રાટકી તરખાટ મચાવી દઈ અને 11 પશુઓ પર ત્રાટકી ભારે નુકસાન પહોંચાડ્યું છે. જેમાં દેવળાના નવાગામ રોડ પર બનેલી આ ઘટનામાં વહાલસોયા 11 પશુઓના મોત નિપજ્યા છે. જેના કારણે માલધારી તથા આજુબાજુનાં વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે.
આ બનાવમાં મળતી વિગત મુજબ ધારી તાલુકાના દેવળા ગામના નવાગામ રોડ પર ગઈકાલે મોડી સાંજનાં સમયે શિકારની શોધમાં નીકળેલાં એક 18 જેટલાં સિંહનું ટોળું સીધુ જ માલધારીના પશુ બાંધવાના વાડામાં એક ટોળું ઘૂસી આવ્યું હતું.
આ ઘટનામાં સિંહો એક સાથે એટલી મોટી સંખ્યામાં સિંહો ત્રાટકતા પશુઓમાં અફડાતફડી મચી ગઈ હતી. અને માલધારીઓને પોતાના પશુ બચાવવા માટે કોઈ તક ન મળતા બે ગાય તથા ઘેટાં સહિત 11 જેટલાં પશુઓ સિંહોના શિકાર બન્યા હતા.
આ ઘટનાના પગલે આ માલધારી લાચાર બની ગયો હતો. અને તરત જ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. માલધારી દ્વારા પણ 11 પશુઓના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે, કારણ કે એકસાથે દોઢ ડઝન જેટલા સિંહોનું ટોળું માનવ વસાહત નજીક પહોંચવું ગંભીર બાબત માનવામાં આવી રહી છે. વનવિભાગ દ્વારા સિંહોના હલન ચલન પર નજર રાખી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
