નગરપાલિકા બગીચાને સ્વચ્છ કરાવી લોકો માટે ઉપયોગી બનાવે!
અમરેલી શહેરના બટારવાળી વિસ્તારમાં લગભગ 20 વર્ષ પહેલાં બનાવવામાં આવેલ બગીચો આજે સંપૂર્ણ અવગણનાનો ભોગ બની ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે. એક સમયે બાળકો માટે રમત અને નાગરિકો માટે આરામદાયક ગણાતો આ બગીચો છેલ્લા ઘણા વર્ષોથી ગંદકી અને કચરાના ઢગલાઓથી ભરાઈ ગયો છે.
આ બગીચાને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામના નામે અબ્દુલ કલામ બગીચો તરીકે નામ આપવામાં આવ્યું હતું. શહેરના બે દિગ્ગજ નેતાઓના હસ્તે આ બગીચાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને વિસ્તારના વિકાસ માટે ખાસ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવ્યું હતું.
પરંતુ ઉદ્ઘાટન થયા બાદ માત્ર છ મહિનામાં જ આ બગીચામાં મુકાયેલા બાકડા, હીંચકા તેમજ બાળકોના રમત ગમતના સાધનો ગાયબ થઈ ગયા હતા. ત્યાર બાદ બગીચાની પાલિકા દ્વારા યોગ્ય જાળવણી ન થતાં આજે તેની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે.
બગીચાની દીવાલની બાજુમાં જ આંગણવાડી આવેલ હોવાથી નાના બાળકો માટે અહીં સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ જરૂરી છે, પરંતુ હાલની ગંદકી અને કચરાના ગંજને કારણે સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે. સ્થાનિક લોકોની માંગ છે કે, નગરપાલિકા તાત્કાલિક બગીચાની સફાઈ કરી અને બગીચાનો પુન:વિકાસ કરીને તેને ફરીથી બાળકો અને નાગરિકો માટે ઉપયોગી બનાવે તે જરૂરી છે.
